ફતેહપુરના યુવકને 40 દિવસમાં 7 વાર સાપ કરડ્યાના દાવાનો પર્દાફાશ, વાસ્તવિકતા ચોંકાવી દેશે
છેલ્લા કેટલાય દિવસોથી સાપ કરડ્યાની વાત સતત ચર્ચાયા કરે છે. ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં 40 દ

છેલ્લા કેટલાય દિવસોથી સાપ કરડ્યાની વાત સતત ચર્ચાયા કરે છે. ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં 40 દિવસમાં એક યુવકને 7 વખત સાપે ડંખ માર્યાના કિસ્સાને લઈને સર્વત્ર હોબાળો મચી ગયો હતો. યુવક સતત રટણ કરતો હતો કે મને નવ વખત સાપ કરડવાનો છે. એ પછી આરોગ્ય વિભાગની સાથે વન વિભાગની ટીમ પણ આ મામલાની તપાસમાં ઝંપલાવ્યું હતું. બંને ટીમોએ તપાસ કર્યા બાદ રિપોર્ટ સોંપ્યો તેમાં જણાવ્યું કે, યુવકનો દાવો ખોટો છે. યુવકને માત્ર એક જ વાર સાપ કરડ્યો હતો.
7 વખત સાપ કરડવાનો દાવો નકલી
ફતેહપુર આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે, યુવકને 7 વખત સાપ કરડવાનો મામલો જૂઠ્ઠો છે. તપાસ ટીમને જાણવા મળ્યું કે યુવકને માત્ર એક જ વાર સાપ કરડ્યો હતો. ડોક્ટરે કહ્યું કે સાપ ફોબિયાના કારણે યુવકને સાત વખત સાપ કરડ્યો હોવાની વાત કરી રહ્યો છે. હકિકતમાં સાપે તેને માત્ર એક જ વાર ડંખ માર્યો છે અને તે પછી છ વખત સાપે ડંખ માર્યો હોવાની વાતો પાયાવિહોણી છે.
વિકાસ દાવાની તપાસ
જણાવી દઈએ કે 24 વર્ષીય વિકાસે જણાવ્યું હતું કે, તેને સતત સાત વખત સાપે ડંખ માર્યો છે. તેના દાવા બાદ પણ આ મામલાની તપાસ ચાલી રહી છે. સીએમઓએ જણાવ્યું કે યુવક માનસિક બિમારીનો શિકાર થયો છે. તપાસ ટીમે દરેક પાસાઓની તપાસ કરી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે, વિકાસની સારવાર મનોચિકિત્સક દ્વારા કરવામાં આવશે.
40 દિવસમાં 7મી વખત સાપ કરડ્યો
આ મામલો ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે. ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં રહેતા 24 વર્ષના વિકાસે જણાવ્યું કે 40 દિવસમાં તેને 7મી વખત સાપે ડંખ માર્યો હતો. વારંવાર સાપ કરડવાના કારણે દુબેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે તેણે સ્થાનિક અધિકારીઓની મદદ લેવી પડી હતી. વિકાસે કહ્યું હતું કે તેને સપનામાં સાપ દેખાય છે. વિકાસે દાવો કર્યો કે સાપે તેને કહ્યું હતું કે તે તેને 9 વખત ડંખ મારશે અને તેનો જીવ લેશે.
પીડિત વિકાસ દુબેના જણાવ્યા પ્રમાણે લગભગ દોઢ મહિનામાં તેને 7 વખત સાપે ડંખ માર્યો. દરેક વખતે તે બચી ગયો છે. સાપ કરડે તે પહેલા તેને આભાસ થાય છે કે સાપ તેના પર હુમલો કરવા જઈ રહ્યો છે. આ ઘટના પર તબીબો સહિત અનેક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. વિકાસના કહેવા પ્રમાણે સાપ કરડવાનો અંદેશો તેને પહેલેથી આવી જાય છે. તે પોતાના ઘરના સભ્યોને અગાઉથી કહી દેતો કે આજે મને સાપ કરડશે. હમણાં સાપે સપનામાં આવીને કહ્યું કે, તે વધુ ત્રણ વખત ડંખ મારશે. નવમી વખતમાં જીવ જશે. કોઈ દૈવી શક્તિ કે ડૉક્ટર બચાવી શકશે નહીં.
વિકાસના કહેવા પ્રમાણે, 2 જૂને રાત્રે 9 વાગ્યે પથારીમાંથી ઉઠતી વખતે તેને પહેલીવાર સાપ કરડ્યો હતો. જે બાદ પરિવાર તેને એક ખાનગી નર્સિંગ હોમમાં લઈ ગયો. ત્યાં બે દિવસ દાખલ હતો. સારવાર બાદ તે સ્વસ્થ થઈને ઘરે આવ્યો હતો. પરિવારને લાગ્યું કે, આ સામાન્ય ઘટના છે. પરંતુ 10 જૂનની રાત્રે ફરીથી સાપે તેને ડંખ માર્યો હતો. ફરી પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા. સદનસીબે આ વખતે પણ સારવાર બાદ તે સાજો થઈ ગયો.
જોકે, તે સાપથી ડરી ગયો અને સાવચેતી રાખવા લાગ્યો. પરંતુ સાત દિવસ પછી (17 જૂન) સાપે તેને ઘરમાં ફરી એક વાર ડંખ માર્યો, જેના કારણે હાલત ખરાબ થવા લાગી અને પરિવારના સભ્યો ડરી ગયા. પછી તેને એ જ હોસ્પિટલમાં સારવાર લીધી અને સાજો થઈ ગયો.
નવાઈની વાત એ છે કે, ચોથી વખત સાપે 7 દિવસ પણ પસાર થવા દીધા નથી. ઘટનાના ચોથા દિવસે ફરી એકવાર સાપે વિકાસને ડંખ માર્યો હતો. જ્યારે પરિવારજનો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા તો ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે, આ વખતે પણ તે સારવાર બાદ બચી ગયો હતો. આવી સ્થિતિમાં, સંબંધીઓ અને ડૉક્ટરે સલાહ આપી કે, વિકાસને થોડા દિવસો માટે બીજે ક્યાંક મોકલવો જોઈએ.
ડોક્ટરની સલાહને પગલે વિકાસ તેની માસીના ઘરે (રાધાનગર) રહેવા ગયો હતો. પરંતુ ગત શુક્રવારે રાત્રે 12 વાગ્યાના સુમારે તેને ફરીથી ઘરમાં સાપ કરડ્યો હતો. જે બાદ પરિવારે તેને તે જ હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં વિકાસે સારવાર કરાવી હતી. આ પછી યુવક કાકાના ઘરે ગયો તો ત્યાં પણ સાપે ડંખ માર્યો હતો.








