ભાજપ હેડક્વાર્ટરમાં મહારાષ્ટ્ર જીતની ઉજવણી, PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહની હાજરી
મહારાષ્ટ્ર ચૂંટણીના વલણોમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધનને જંગી બહુમતી મળી છે. ગ

મહારાષ્ટ્ર ચૂંટણીના વલણોમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધનને જંગી બહુમતી મળી છે. ગઠબંધન 226 સીટો પર આગળ છે. ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. તે જ સમયે, મહાવિકાસ આઘાડી ગઠબંધનને ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે.
કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા માટે ખુદ વડાપ્રધાન મોદી ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
મહારાષ્ટ્રમાં વિકાસવાદની જીત : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું કે, 'આજે મહારાષ્ટ્રમાં વિકાસવાદની જીત થઈ છે, મહારાષ્ટ્રમાં સુશાસનની જીત થઈ છે, મહારાષ્ટ્રમાં સાચા સામાજિક ન્યાયની જીત થઈ છે. ત્યારે, આજે મહારાષ્ટ્રમાં જૂઠ, છલ, કપટ ખરાબ રીતે હાર્યું છે. વિભાજનકારી તાકાતો હારી છે, નેગેટિવ પોલિટિક્સ હાર્યું છે, આજે પરિવારવાદની હાર થઈ છે.'
'દેશ હવે માત્ર વિકાસ ઇચ્છે છે'
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આજે દેશના અનેક રાજ્યોમાં પેટાચૂંટણીના પણ પરિણામ આવ્યા છે અને લોકસભાની એક બેઠક વધી ગઈ છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાને ભાજપને ભારે સમર્થન આપ્યું છે. આસામના લોકોએ ભાજપ પર ફરી એકવાર ભરોસો વ્યક્ત કર્યો છે. મધ્યપ્રદેશમાં પણ ભાજપને સફળતા મળી છે. બિહારમાં પણ એનડીએનું સમર્થન વધ્યું છે. આ બતાવે છે કે દેશ હવે માત્રને માત્ર વિકાસ ઇચ્છે છે.'
'એક હૈ તો સેફ હૈ'નો નારો સમગ્ર ભારતનો મંત્ર બન્યો
વડાપ્રધાને કહ્યું કે, 'આજે લોકસભામાં અમારી એક સીટ વધી છે. મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. મહાપુરુષોની ધરતીએ તમામ રૅકોર્ડ તોડ્યા છે. મહારાષ્ટ્રમાં 50 વર્ષમાં સૌથી મોટી જીત મળી છે. મહારાષ્ટ્રમાં ડંકે કી ચોટ પર કહ્યું હતું કે 'એક હૈ તો સેફ હૈ'. 'એક હૈ તો સેફ હૈ'નો નારો સમગ્ર ભારતનો મંત્ર બન્યો છે. જાતિ-ધર્મમાં વિભાજન કરનારાઓને લોકોએ સબક શિખવાડ્યો છે. સમાજના દરેક વર્ગે ભાજપને મત આપ્યા છે. પ્રજાએ ઇન્ડિયા ગઠબંધનની ઈકો સિસ્ટમને જાકારો આપ્યો છે. અમે વિકાસ અને વિરાસતને સાથે લઈને ચાલીએ છીએ.'
'કોઈ તાકાત 370 કલમને પરત નહીં લાવી શકે'
વડાપ્રધાન મોદીએ મોટું નિવેદન આપતાં કહ્યું કે, 'કોઈ તાકાત 370 કલમને પરત લાવી નહીં શકે.' આ સિવાય વડાપ્રધાને કહ્યું કે, 'ઈટલીવાળા દેશના બદલાયેલા મિજાજને નહીં સમજે. વિરોધીઓ દેશનો મિજાજ ન સમજ્યા. દેશનો મતદાતા અસ્થિરતા નથી ઈચ્છતો, તે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે જોડાયેલો છે. ખુરશી ફર્સ્ટના સપના જોનારાઓને પ્રજાએ નકાર્યા છે. મહારાષ્ટ્રએ ઈન્ડિયા ગઠબંધનને બેનકાબ કર્યું છે. કોગ્રેસ પરજીવી પાર્ટી બનીને રહી ગઈ છે.
'કોંગ્રેસ ક્યારેય બાળા સાહેબના વખાણ ન કરી શકે'
વડાપ્રધાને કહ્યું કે, 'છત્રપતિ શિવાજી મહારાજ, આંબેડકર, સંભાજી, સાવિત્રીબાઈ ફુલે અમારી પ્રેરણા છે. મરાઠા સમાજ માટે કોંગ્રેસે કંઈ નથી કર્યું. ઈતિહાસનું સમ્માન અમારા સંસ્કાર છે. કોંગ્રેસ ક્યારેય બાળા સાહેબના વખાણ ન કરી શકે. ઉદ્ધવ કોંગ્રેસ પાસે બાળા સાહેબના વખાણ ન કરાવી શક્યા. કોંગ્રેસનો ઉદ્દેશ્ય વીર સાવરકરને બદનામ કરવાનો છે. કોંગ્રેસેને માત્ર ખુરશી ફર્સ્ટ. મહારાષ્ટ્રે એકજુટતાનો સંદેશ આપ્યો છે.'
'સંવિધાનમાં વક્ફ કાનૂન માટે જગ્યા નહીં'
વડાપ્રધાને કહ્યું કે, 'કોંગ્રેસ સહયોગીઓની નાવ પણ ડૂબાડી દે છે. કોંગ્રેસ માટે પોતાના દમ પર સરકાર બનાવવી મુશ્કેલ છે. કોંગ્રેસની વિભાજનકારી નીતિ વિફળ રહી છે. સંવિધાન સાથે પરિવારે વિશ્વાસઘાત કર્યો છે. કોંગ્રેસે તૃષ્ટિકરણના બીજ રોપ્યા, અને તેના માટે કાયદો બનાવ્યા છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આદેશની પણ દરકાર ન કરી. કોંગ્રેસે દિલ્હીની આસપાસની સંપત્તિઓ વક્ફને સોંપી છે. સંવિધાનમાં વક્ફ કાનૂન માટે જગ્યા નહીં. કોંગ્રેસે તૃષ્ટિકરણ માટે વક્ફ કાયદો બનાવ્યો. કોંગ્રેસ માટે સત્તા જ બધું છે. કોંગ્રેસનું પરિવાર સત્તા વગર જીવી નથી શકતુ. અર્બન નક્સલવાદીથી સાવધાન રહેવાની જરૂર છે.'
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત બાદ ઉજવણી કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા.
નડ્ડા જીતની ઉજવણી કરવા પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા
મહારાષ્ટ્ર ચૂંટણીમાં જીતની ઉજવણી કરવા માટે બીજેપીના વડા અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા.
ભાજપના 'બટેંગે તો કટંગે' ના નારા પર શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આ સૂત્ર કામ કરતું નથી. બેરોજગારી, મોંઘવારી જેવી કેટલીક બાબતો બિનસાંપ્રદાયિક છે. દરેક વ્યક્તિ આનાથી પ્રભાવિત છે. તેથી જ તે કામ ન કર્યું.
જીત સાથે મહાયુતિની જવાબદારીઓ વધી: નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, અમને વિશ્વાસ હતો કે અમે (મહાયુતિ) બહુમતી મેળવીશું અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવીશું. પરંતુ અમને અભૂતપૂર્વ વિજય મળ્યો. મહારાષ્ટ્રની જનતાએ જે રીતે મહાયુતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેનાથી અમારી જવાબદારી વધી છે અને અમે લોકોની તમામ અપેક્ષાઓ પૂરી કરવા માટે કામ કરીશું.








