Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : CBI takes major action in PNB scam, arrests fugitive Nirav Modi's aide from UAE

PNB કૌભાંડમાં CBIની મોટી કાર્યવાહી, ભાગેડુ નીરવ મોદીના સાથીની UAEથી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
PNB કૌભાંડમાં CBIની મોટી કાર્યવાહી, ભાગેડુ નીરવ મોદીના સાથીની UAEથી ધરપકડ
સોર્સ : gstv

પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ કેસમાં ભાગેડું નિરવ મોદીના સહયોગી સંદિપ મિસ્ત્રીની સીબીઆઈએ ધરપકડ કરી લીધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંયુક્ત આરબ અમીરાત (UAE) થી પ્રત્યાર્પણ બાદ મંગળવારે મુંબઈમાં મિસ્ત્રીની ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી. મિસ્ત્રીને સોમવારે યુએઈથી ભારત લાવવામાં આવ્યો હતો. મંગળવારે સીબીઆઈએ તેની ધરપકડ કર્યા બાદ વિશેષ સીબીઆઈ કોર્ટમાં રજૂ કર્યો હતો. એજન્સીએ તેની કસ્ટડીની માંગ કરી નહોતી, ત્યારબાદ અદાલતે મિસ્ત્રીને 6 ઓક્ટોબર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો છે.

App Store

કૌભાંડના ષડયંત્રમાં સંદીપ મિસ્ત્રી કેટલો સામેલ હતો?

આ ધરપકડ નવેમ્બર 2025માં વિશેષ અદાલત દ્વારા જારી કરવામાં આવેલા બિનજામીનપાત્ર વોરંટના આધારે કરવામાં આવી છે. સંદીપ મિસ્ત્રી નિરવ મોદીની હોંગકોંગ સ્થિત કંપની 'ફેન્સી ક્રિએશન્સ લિમિટેડ'માં ડિરેક્ટર રહી ચૂક્યો છે. સીબીઆઈનો આરોપ છે કે, મિસ્ત્રીએ નિરવ મોદી અને અન્ય આરોપીઓ સાથે મળીને ગુનાહિત ષડયંત્રમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ષડયંત્ર હેઠળ પંજાબ નેશનલ બેંકને લગભગ રૂ. 6,498.20 કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સીબીઆઈએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, ભારતમાં કેસ નોંધાયા પછી મિસ્ત્રીએ નિરવ મોદીના ભાઈ નેહલ અને અન્ય એક વોન્ટેડ આરોપી સાથે મળીને દુબઈમાં નિરવ મોદી સાથે જોડાયેલી અલગ-અલગ કંપનીઓના ડમી ડિરેક્ટરોને ધમકાવ્યા હતા.

13 હજાર કરોડથી વધુનું PNB કૌભાંડ

તપાસ એજન્સી અનુસાર, આ કર્મચારીઓને ધરપકડના ડરથી દુબઈ છોડીને ઈજિપ્ત જવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે, આરોપીઓએ પુરાવા નાશ કરવા માટે પોતાના મોબાઈલ ફોન પણ તોડી નાખ્યા હતા. નિરવ મોદી, તેના મામા મેહુલ ચોક્સી અને અન્ય આરોપીઓ સામે વર્ષ 2018થી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરી રહ્યું છે. આ કેસોની સીબીઆઈ પણ તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે, નિરવ મોદી, મેહુલ ચોક્સી અને અન્ય લોકોએ બેંક અધિકારીઓની મિલીભગતથી 2 અબજ યુએસ ડોલરથી વધુ (13 હજાર કરોડ રૂપિયાથી વધુ) નું બેંક કૌભાંડ આચર્યું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, મુંબઈ સ્થિત PNBની બ્રેડી હાઉસ શાખામાંથી બોગસ લેટર ઓફ અંડરટેકિંગ (LoU) જારી કરાવીને આ છેતરપિંડી કરવામાં આવી હતી.