પૂર્વ પ્રેમિકા સાથે મરવા માટે કારમાં કર્યો બોમ્બ ધડાકો! યુવતી ચાલુ કારે કૂદી ગઈ, યુવકે જીવ ગુમાવ્યો
કર્ણાટકના તુમકુરૂ જિલ્લામાં એક વ્યસ્ત હાઇવે પર કથિત

કર્ણાટકના તુમકુરૂ જિલ્લામાં એક વ્યસ્ત હાઇવે પર કથિત અપહરણના આરોપીનું ચાલુ કારમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટ બાદ જીવતા ભૂંજાઈ જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે કથિત રીતે અપહરણ કરાયેલી યુવતી ચાલુ વાહનમાંથી બહાર કૂદીને બચી ગઈ હતી અને તેના થોડી જ ક્ષણોમાં સંબંધોની કડવાશનો આ રીતે ભયાનક અંત આવ્યો હતો.
આ ઘટના શનિવારે સિરા તાલુકાના જોગીહલ્લી પાસે બની હતી, જ્યારે નેશનલ હાઈવે-48 પર મુસાફરી કરી રહેલી એક કારમાં અચાનક વિસ્ફોટ થયો અને તે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. આ બ્લાસ્ટમાં ૩૦ વર્ષીય નાગેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે યુવતી અને કેબ ડ્રાઇવર પ્રવીણ ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક તુમકુરૂ જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, નાગેન્દ્ર અને આ યુવતી (જે બેંગલુરુમાં ઓટી ટેકનિશિયન તરીકે કામ કરે છે) અગાઉ સંબંધમાં હતા પરંતુ તાજેતરમાં જ અલગ થઈ ગયા હતા. તપાસકર્તાઓએ જણાવ્યું કે અંગત મતભેદોને કારણે યુવતીએ નાગેન્દ્રનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો. પોલીસે આક્ષેપ કર્યો છે કે શનિવારે સવારે બેંગલુરુના જયાનાગરમાં યુવતીના ભાડાના મકાન પર નાગેન્દ્રએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ પીળા કલરની નંબર પ્લેટવાળી ઉબેર (Uber) કેબમાં તેનું બળજબરીપૂર્વક અપહરણ કરી લઈ ગયો હતો. દીકરી ગુમ થતાં તેના માતા-પિતાએ જયાનાગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
અંકોલા તરફની મુસાફરી દરમિયાન, નાગેન્દ્રએ કથિત રીતે પોતાનો જીવ લેતા પહેલા યુવતીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસને આશંકા છે કે તે પોતાની સાથે કોઈ વિસ્ફોટક ઉપકરણ (બોમ્બ) લાવ્યો હતો, જે તેણે મુસાફરી દરમિયાન યુવતીને બતાવ્યું પણ હતું.
આ ભયાનક સફરનો અંત જોગીહલ્લી પાસે આવ્યો જ્યારે ચાલુ વાહનમાં નાગેન્દ્રએ કથિત રીતે યુવતી પર છરી વડે હુમલો કર્યો. ડ્રાઇવરે તરત જ કેબ રોકી દીધી, જેથી યુવતી દરવાજો ખોલીને સુરક્ષિત રીતે બહાર કૂદી ગઈ.
તેના થોડી જ ક્ષણોમાં, વાહનમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો અને આખી કાર આગની લપેટમાં આવી ગઈ. નાગેન્દ્ર અંદર જ ફસાઈ ગયો અને કોઈ મદદ પહોંચે તે પહેલાં જીવતો સળગી ગયો. આ વિસ્ફોટના કારણે વ્યસ્ત હાઇવે પર એક કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો.
તુમકુરૂના પોલીસ અધિક્ષક (SP) અશોક કે.વી.એ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ દર્શાવે છે કે નાગેન્દ્ર પોતાની સાથે વિસ્ફોટક ઉપકરણ લઈ જઈ રહ્યો હતો અને તેણે જાણી જોઈને આ બ્લાસ્ટ કર્યો હોવાનું જણાય છે. પોલીસે વાહનમાંથી બોમ્બ જેવી વિસ્ફોટક સામગ્રી રિકવર કરી છે અને આ વિસ્ફોટક કેવા પ્રકારનો હતો, તે કેવી રીતે ફાટ્યો અને ક્યાંથી મેળવવામાં આવ્યો હતો તેની ચોક્કસ વિગતો જાણવા માટે વિગતવાર તપાસ શરૂ કરી છે. કલ્લામ્બેલા પોલીસે આ મામલે ગુનો નોંધીને જીવલેણ વિસ્ફોટ સુધી દોરી જતી ઘટનાઓના ક્રમની તપાસ ચાલુ રાખી છે.








