બસપાએ ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી, PM મોદી સામે કોને ટિકિટ આપી? જાણો
દેશમાં લોકસભા ચૂંટણી 2024નો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો જાહે

દેશમાં લોકસભા ચૂંટણી 2024નો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે અને ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત પણ કરી દીધી છે. ત્યારે બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. BSPએ વારાણસી બેઠક પરથી પીએમ મોદી સામે અતહર જમાલ લારીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ BSPએ મૈનપુરી બેઠકથી પોતાના ઉમેદવાર બદલી નાખ્યા છે. જૌનપુર બેઠક પરથી બાહુબલી ધનંજય સિંહનાં પત્ની શ્રીકલા સિંહને ટિકિટ આપવામાં આવી છે.
BSPએ ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી
BSPએ આ પાંચમી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બદાયૂંથી મુસ્લિમ ખાન અને બરેલીથી છોટેલાલ ગંગવારને મેદાનમાં ઉતાર્યા છે. સુલ્તાનપુરથી ઉદરાજ વર્મા અને ફર્રુખાબાદ બેઠક પરથી ક્રાંતિ પાંડેને ટિકિટ મળી છે. બાંદાથી મયંક દ્વિવેદી અને ડુમરિયાગંજથી ખ્વાજા સમસુદ્દીન ચૂંટણી લડશે.
જૌનપુર બેઠકથી બાહુબલી ધનંજય સિંહનાં પત્ની શ્રીકલા સિંહને ટિકિટ
બલિયાથી લલ્લન સિંહ યાદવ અને જૌનપુરથી શ્રીકલા રેડ્ડીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગાઝીપુરથી સપાના ઉમેદવાર અને સાંસદ અફઝલ અન્સારી સામે ઉમેશ કુમાર સિંહ ચૂંટણી લડશે. વારાણસી બેઠક પરથી પીએમ મોદીની સામે અતહર જમાલ લારીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મૈનપુરી બેઠક પરથી સપા ઉમેદવાર અને સાંસદ ડિમ્પલ યાદવ સામે બસપાએ પોતાના ઉમેદવાર બદલી નાખ્યા છે. ગુલશન દેવ શાક્યની ટિકિટ કપાઈ ગઈ છે. તેમના સ્થાને શિવ પ્રસાદ યાદવને ટિકિટ આપવામાં આવી છે.






