Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Brain, Heart, Lungs Sub Missing!' Dead body of Indian sailor from Venezuela not found

‘બ્રેઈન, હાર્ટ, લંગ્સ સબ ગાયબ!’ વેનેઝુએલાથી આવેલા ભારતીય નાવિકના મૃતદેહમાં એક પણ અંગ ન મળ્યું

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
‘બ્રેઈન, હાર્ટ, લંગ્સ સબ ગાયબ!’ વેનેઝુએલાથી આવેલા ભારતીય નાવિકના મૃતદેહમાં એક પણ અંગ ન મળ્યું
સોર્સ : gstv

નવી દિલ્હી/દેવરિયા: વેનેઝુએલામાં ભારતીય નાવિક (Seafarer) રાકેશ ચૌહાણના શંકાસ્પદ મોત બાદ જ્યારે તેમનો મૃતદેહ ઉત્તર પ્રદેશના દેવરિયા લાવવામાં આવ્યો, ત્યારે એક એવો ભયાનક ખુલાસો થયો છે જેણે મેડિકલ જગત અને આંતરરાષ્ટ્રીય સત્તાવાળાઓને ચોંકાવી દીધા છે. પરિવારની માંગ પર ભારતમાં કરાયેલા બીજા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે રાકેશના શરીરમાંથી દિલ (Heart), મગજ (Brain), ફેફસાં (Lungs) અને કિડની (Kidneys) સહિતના તમામ મુખ્ય અંગો ગાયબ હતા!

App Store

મે ૨૦૨૬માં આવી હતી મોતના સમાચાર

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના લગડા બજાર ટોલાના રહેવાસી ૩૩ વર્ષીય રાકેશ ચૌહાણ નવેમ્બર ૨૦૨૫માં 'એક્સફિનિટી' (Exfinity) નામની કંપની દ્વારા મર્ચન્ટ નેવીમાં નોકરી માટે વેનેઝુએલા ગયા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ મે ૨૦૨૬માં અચાનક કંપની તરફથી ફોન આવ્યો કે રાકેશનું કાર્ડિયાક અરેસ્ટ (Cardiac Arrest) એટલે કે હાર્ટ એટેકથી મોત થયું છે.

જ્યારે દેવરિયા પહોંચ્યો ખાલી 'મૃતદેહ'

વેનેઝુએલાની સરકાર અને શિપિંગ કંપનીએ જણાવ્યું કે રાકેશનું મોત હાર્ટ એટેકથી થયું છે. મૃતદેહને ત્યાં લગભગ એક મહિના સુધી ડીપ ફ્રીઝર (Deep Freezer)માં રાખવામાં આવ્યો અને ૪ જૂનના રોજ દેવરિયા મોકલવામાં આવ્યો. આશ્ચર્યની વાત એ હતી કે વેનેઝુએલાના સત્તાવાળાઓએ મૃતદેહની સાથે ન તો કોઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મોકલ્યો કે ન તો મોતના સાચા કારણની સ્પષ્ટતા કરી.

કંપનીના ગોળગોળ જવાબોને કારણે પરિવારને શંકા ગઈ, જેથી તેમણે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate) પાસે ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 

જ્યારે ઉત્તર પ્રદેશના ડોક્ટરોની પેનલે રાકેશના મૃતદેહની તપાસ કરી, ત્યારે તેમના હોશ ઉડી ગયા. શવની અંદર એક પણ મુખ્ય ઓર્ગન (Organ) હાજર નહોતું:

ગાયબ અંગોની યાદી: મગજ, હાર્ટ, બંને ફેફસાં, લીવર, કિડની, સ્પ્લીન (તલ્લી), પેનક્રિયાઝ (સ્વાદુપિંડ), પેટ અને આંતરડાં બધું જ ગાયબ હતું.

ગળાના ભાગો પણ ગાયબ: આટલું જ નહીં, ગળાના ભાગેથી થાઈરોઈડ (Thyroid), વોઈસ બોક્સ (Voice Box) અને શ્વાસનળી (Windpipe) પણ કાઢી લેવામાં આવ્યા હતા.

અસંખ્ય ટાંકા: રાકેશના માથાથી લઈને ગળા સુધી અને છાતીથી લઈને પેટ સુધી ડઝનબંધ ટાંકા લેવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે ત્યાં પહેલેથી જ મોટી ચીરફાડ કરવામાં આવી હતી.

ડોક્ટરોનું નિવેદન: શરીરમાં કોઈ મહત્વપૂર્ણ અંગ જ ન હોવાને કારણે ભારતીય ડોક્ટરો માટે રાકેશના મોતના સાચા કારણ (Cause of Death) સુધી પહોંચવું અશક્ય બની ગયું છે.

શિપિંગ કંપનીના નિવેદનોમાં મોટો ઝોલ

રાકેશના પિતા રામ દેવ ચૌહાણ અને પરિવારનો આરોપ છે કે કંપની શરૂઆતથી જ વાતો છુપાવી રહી હતી. કંપનીએ પરિવારને ત્રણ અલગ-અલગ વાતો કહી:

પહેલો ફોન: રાકેશ જહાજ પરથી પડી ગયો છે, તેને ઈજાઓ થઈ છે અને સારવાર (Treatment) ચાલી રહી છે.

બીજો ફોન: આગલી સવારે કહેવાયું કે રાકેશના બચવાની શક્યતા માત્ર ૫% જ છે.

ત્રીજો ફોન: તે જ સાંજે મોતના સમાચાર આપવામાં આવ્યા અને દાવો કરાયો કે પડવાને કારણે જીવ ગયો છે.

જો કે, સત્તાવાર કાગળોમાં આખી વાર્તા બદલીને મોતનું કારણ 'કાર્ડિયાક અરેસ્ટ' દર્શાવવામાં આવ્યું. હવે પરિવારનો સવાલ છે કે જો મોત સામાન્ય હતું, તો અંગો કેમ ગાયબ છે?

ઓર્ગન ટ્રાફિકિંગ (Organ Trafficking)ની આશંકા: શું આ સામાન્ય છે?

મેડિકલ સાયન્સ (Medical Science) અનુસાર, જ્યારે કોઈ વિદેશી નાગરિકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થાય છે, ત્યારે ઝેર અથવા અન્ય કોઈ બીમારીની તપાસ કરવા માટે વિસેરા (Visera) કે અંગોના નાના સેમ્પલ લેબોરેટરી (Laboratory) ટેસ્ટ માટે રાખવામાં આવે છે. પરંતુ આ કેસમાં સેમ્પલના નામે આખેઆખા અંગો ગાયબ કરી દેવા અને તેની કોઈ સત્તાવાર મેડિકલ નોટ (Medical Note) ન આપવી એ આંતરરાષ્ટ્રીય ઓર્ગન ટ્રાફિકિંગ (અંગ તસ્કરી) અથવા મોટા ગુનાને છુપાવવાનો ઈશારો કરે છે.

સીફેઅરર્સ યુનિયન (FSUI) મેદાનમાં

ભારતીય નાવિકોના અધિકારો માટે લડતી સંસ્થા Federation of Seafarers Unions (FSUI) આ મામલે સક્રિય થઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવીને સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે:

વેનેઝુએલા સરકાર દ્વારા આ મામલે નિષ્પક્ષ ઈન્વેસ્ટિગેશન (Investigation) કરવામાં આવે.

વેનેઝુએલામાં આવેલી ઈન્ડિયન એમ્બેસી (Indian Embassy) તાત્કાલિક આ કેસમાં દખલ કરે.

પીડિત પરિવારને વળતર (Compensation) અને ન્યાય મળે.

આ ભયાનક ઘટનાએ વિદેશમાં મરચન્ટ નેવી કે અન્ય સેક્ટરમાં કામ કરતા લાખો ભારતીય કામદારો (Indian Migrant Workers)ની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધો છે. દેવરિયાનો આ ગરીબ પરિવાર આજે પોતાના દીકરાના મોતના ગમ સાથે એ ભયાનક સચ્ચાઈથી પણ તૂટી ગયો છે કે તેમને પોતાના વહાલા દીકરાનો મૃતદેહ પણ આખો નસીબ થયો નથી.