દિલ્હીમાં પ્રવેશના નવા નિયમો લાગુ, આ વાહનોને બોર્ડર પરથી પરત મોકલાઈ રહ્યાં છે

દિલ્હીમાં શિયાળાની શરૂઆત સાથે વધતા વાયુ પ્રદૂષણ (Air Pollution)ને નિયંત્રિત કરવા માટે 1 નવેમ્બરથી વાહનોની એન્ટ્રી અંગે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સુધારેલા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ દિલ્હીની બહાર નોંધાયેલા BS-6થી નીચા ધોરણનાં પેટ્રોલ અને ડીઝલ વાહનોને રાજધાનીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. આ પ્રતિબંધ 31 જાન્યુઆરી, 2027 સુધી અમલમાં રહેશે.
બોર્ડર પર ચેકિંગ, વાહનોને પરત મોકલાયાં
નવા નિયમોના અમલ માટે દિલ્હી-હરિયાણા અને દિલ્હી-ઉત્તર પ્રદેશની સરહદો પર ટ્રાન્સપોર્ટ વિભાગ અને પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે. આયા નગર, અફસારા, સીમાપુરી સહિતના વિવિધ બોર્ડર પર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. નિયમોનું પાલન ન કરતાં વાહનોને બોર્ડર પરથી જ પરત મોકલવામાં આવી રહ્યાં છે. સોનીપત તરફથી દિલ્હીમાં પ્રવેશતા માર્ગો પર પણ નાકાબંધી કરવામાં આવી છે. આ અચાનક કડકાઈને કારણે રોજિંદા કામ માટે દિલ્હી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહનોની તપાસ અને ટ્રાફિકના દબાણને કારણે કેટલાક બોર્ડર વિસ્તારોમાં લાંબી કતારો સર્જાઈ છે. લોકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાવું પડી રહ્યું છે.
કયા વાહનોને મળશે પ્રવેશ?
નવા નિયમો મુજબ BS-6 ધોરણનાં વાહનો, CNG અને ઇલેક્ટ્રિક વાહનોને લાગુ શરતોને આધીન પ્રવેશ મળશે. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા આવશ્યક વાહનોને પણ નિયમો મુજબ છૂટ આપવામાં આવી છે. જોકે, વાહનો પાસે માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) હોવું જરૂરી છે.
ટ્રક અને બસો માટે પણ કડક નિયમો
દિલ્હીમાં પ્રવેશતા આંતરરાજ્ય બસોએ BS-6 ડીઝલ, CNG અથવા ઇલેક્ટ્રિક ધોરણોનું પાલન કરવું પડશે. દિલ્હીમાં જવાનું ન હોય તેવા ટ્રકોએ શહેરમાંથી પસાર થવાને બદલે પેરિફેરલ એક્સપ્રેસવે (Peripheral Expressway)નો ઉપયોગ કરવો પડશે.
પ્રદૂષણ રોકવા સરકારનો પ્રયાસ
સરકારનો ઉદ્દેશ વાહનોમાંથી નીકળતા ધુમાડા અને પ્રદૂષણને ઘટાડવાનો છે. GRAP હેઠળ હવામાન અને હવાની ગુણવત્તાના પૂર્વાનુમાનને ધ્યાનમાં રાખીને પણ નિયંત્રણો લાગુ કરી શકાય છે. તેથી દિલ્હી જતા વાહનચાલકોએ મુસાફરી પહેલાં પોતાના વાહનનું BS-6 ધોરણ અને PUC પ્રમાણપત્ર તપાસી લેવું જરૂરી છે.










