મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ...', ટ્વિટ મામલે મુંબઈ પોલીસે કરી આ કાર્યવાહી 

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના

'અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ...', ટ્વિટ મામલે મુંબઈ પોલીસે કરી આ કાર્યવાહી 

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન સમારોહ દરમિયાન બોમ્બની ધમકી આપવા બાબતે તપાસ ચાલી રહી છે. મુંબઈ પોલીસની સાયબર વિંગ આ મામલાની તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે, એક સોશિયલ મીડિયા એક્સ યુઝરે મુંબઈ પોલીસને એક પોસ્ટ વિશે જાણ કરી હતી. આ પોસ્ટ FFSFIR નામના એક એક્સ યુઝરે કરી છે,  આ પોસ્ટમાં લખ્યું હતું કે, મારા મગજમાં એક ખતરનાક વિચાર આવ્યો છે કે, જો અંબાણીના લગ્નમાં બોમ્બ વિસ્ફોટ થાય તો અડધી દુનિયામાં અરાજકતા ફેલાઈ જશે. ખરબો રૂપિયા સ્વાહા થઈ જશે.
 
આ પોસ્ટ ધ્યાનમાં આવતા મુંબઈ પોલીસે લગ્ન સ્થળની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી હતી. પોલીસે ચેકપોસ્ટ પર અધિકારીઓની તૈનાતી વધારી દીધી હતી. સાથે જ સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. જો કે બોમ્બની ધમકી એક અફવા હતી, તેમ છતાં પોલીસે વધારાના સુરક્ષા પગલાં લીધાં હતાં.

જણાવી દઈએ કે શનિવારે બે લોકોએ લગ્ન સ્થળમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી એક યુટ્યુબર હતો જ્યારે બીજો આંધ્રપ્રદેશનો વેપારી હતો, જેને સુરક્ષા કર્મચારીઓએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, તેમને નોટિસ આપવામાં આવી હતી અને વેરિફિકેશન કરાયા બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા.

મુંબઈ પોલીસની સાયબર ટીમ આ એકાઉન્ટમાંથી પોસ્ટ કરનાર એક્સ યુઝર્સની માહિતી એકત્ર કરવામાં લાગી છે. આ બાબતે એક્સ પાસેથી પણ વિગતો માંગવામાં આવી છે. જો કે રવિવાર સાંજ સુધી આ મામલે કેસ નોંધવામાં આવ્યો ન હતો, પરંતુ એક્સ યુઝરને શોધવા માટે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે.

અનંત-રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ થયા હતા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થયા હતા. 13 જુલાઈના રોજ અંબાણી પરિવારે કપલ માટે 'શુભ આશીર્વાદ' સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં પીએમ નરેન્દ્ર મોદીથી લઈને મોટા દિગ્ગજ કલાકારો અને રાજનેતાઓ હાજર રહ્યા હતા. 14મી જુલાઈ એટલે કે રવિવારે અનંત-રાધિકાના રિસેપ્શનમાં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. તમામ ફંક્શન્સ પૂરા થયા બાદ અનંત-રાધિકા પરિવાર સાથે લંડન જશે.

આ સમાચાર શેર કરો