Video: ઓડિશાના કટકમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ; એક વ્યક્તિનું મોત અને પાંચ લોકો ઈજાગ્રસ્ત, પોલીસે ૨૧ શખ્સોની કરી અટકાયત

ઓડિશાના કટક શહેરમાં જૂની દુશ્મનાવતને લઈને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા સમગ્ર વિસ્તારમાં ભય અને તંગદિલીનો માહોલ છવાઈ ગયો છે. કટકના પુરીઘાટ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક ૫૦ વર્ષીય વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ હિંસક ઝઘડા દરમિયાન આસપાસની દુકાનોમાં પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ૨૧ લોકોની અટકાયત કરી છે.
ઓડિશાના કટક શહેરના પુરીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બોરજા સાહી અને સમાલ સાહી વિસ્તારના યુવાનો વચ્ચે જૂની અદાવતને કારણે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેણે જોતજોતામાં હિંસક અથડામણનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને જૂથો સામસામે આવી જતા પથ્થરમારો અને હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ સંઘર્ષમાં ગણેશ ઘાટ વિસ્તારના સમાલ સાહીના રહેવાસી ૫૦ વર્ષીય મરેન્દ્ર સમાલ ઉર્ફે બુલુનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં એક વ્યક્તિની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે. અથડામણ દરમિયાન તોફાની તત્વોએ બંને વિસ્તારો અને તેની આસપાસ આવેલી અનેક દુકાનોમાં ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાસ્થળે તપાસ દરમિયાન પોલીસને તીક્ષ્ણ હથિયારો, પથ્થરો, લાકડીઓ અને કાચની બોટલો મોટી માત્રામાં મળી આવી છે, જેને કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં જ કટકના ડીસીપી ખિલારી ઋષિકેશ જ્ઞાનદેવ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. કટકના ડીસીપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, બોરજા સાહી અને સમાલ સાહી જૂથ વચ્ચે થયેલી અથડામણમાં સંડોવાયેલા તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૧ લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં સીધી રીતે સંડોવાયેલા ૧૯ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવાયા છે, જ્યારે અન્ય કેટલાક શંકાસ્પદોની પૂછપરછ અને ચકાસણી ચાલી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, વિસ્તારમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયમી શાંતિ પુનઃસ્થાપિત થાય તે માટે પોલીસ દ્વારા બંને વિસ્તારના આગેવાનો અને વડાઓ વચ્ચે શાંતિ બેઠક અને વાતચીતનો દોર શરૂ કરવામાં આવ્યો છે, તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની અનેક ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.
સામાન્ય જૂની અદાવત જ્યારે હિંસક રૂપ લે છે ત્યારે તેનું પરિણામ નિર્દોષ લોકોના જીવ અને સંપત્તિના નુકસાનમાં પરિણમે છે. કટકની આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે હવે પોલીસ તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી અને સ્થાનિક આગેવાનોની મધ્યસ્થીથી વિસ્તારમાં શાંતિ અને સુલેહ-શાંતિ જળવાઈ રહે તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી
















