મહાકાલ મંદિરમાં પ્રતિબંધ હોવા છતાં BJP MLAનો પુત્ર વાહનોના કાફલા સાથે ઘૂસ્યો, ગાડીઓ કરાઈ જપ્ત
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં ભાજપના ધારાસભ્યનો પુત્ર વાહનોના કાફલા સાથે પ્રવેશ્યો હતો. ત્યા

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં ભાજપના ધારાસભ્યનો પુત્ર વાહનોના કાફલા સાથે પ્રવેશ્યો હતો. ત્યારબાદ ડીએમ અને એસપીએ આરોપીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા. ધારાસભ્યના પુત્રના વાહનો તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યા.
મહાકાલ મંદિરમાં શુક્રવારે નાગપંચમી હોવાના કારણે લાખો ભક્તો આવ્યા હતા. દરમિયાન મહાકાલ લોકની સુરક્ષા વ્યવસ્થાની પરવા કર્યા વગર દેવાસના ભાજપના ધારાસભ્ય ગાયત્રી રાજે પંવારનો પુત્ર વિક્રમસિંહ વાહનોના કાફલા સાથે મહાકાલ લોકના પરિસરમાં પ્રવેશ્યો હતો. જે બાદ પોલીસ ધારાસભ્યના પુત્રની ચાર ગાડીઓ જપ્ત કરી છે.
પરિસરમાં VIP વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હતો
આ ઘટના બપોરે 3.30ની આસપાસ બની હતી. મહાકાલ લોકના આ પરિસરમાં VIP વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ હતો. આ સ્થળેથી VIP વ્યક્તિઓને પગપાળા અથવા ઈ-કાર્ટ દ્વારા મંદિર સુધી લઈ જવામાં આવે છે.
ઉજ્જૈનના કલેક્ટરે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી
આમ છતાં ધારાસભ્યના પુત્રના વાહનોના કાફલાએ પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓ વાહનોને રોકવાનું કહેતા બોલાચાલી થઈ હતી. જોકે, બાદમાં એસપીએ કાફલાના વાહનોને જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ ઉજ્જૈનના કલેક્ટર નીરજ સિંહે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું, 'વાહનોનો કાફલો અનધિકૃત રીતે ઘૂસ્યો છે. તમામને પકડીને પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવ્યા છે.








