ભાજપના મંત્રી 'અપશબ્દો' બોલ્યા તો કંઈ નહીં, સરકારી આદેશમાં લખાતા SDM તાત્કાલિક સસ્પેન્ડ
મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના ચર્ચિત 'ઘંટા' વાળા નિ

મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના ચર્ચિત 'ઘંટા' વાળા નિવેદનનો સરકારી આદેશમાં ઉલ્લેખ કરવો દેવાસના SDM આનંદ માલવિયાને ભારે પડી ગયું. લેટર વાઈરલ થતાં જ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ કાર્યવાહીનો આદેશ ઉજ્જૈન વિભાગીય કમિશનર આશિષ સિંહે જારી કર્યો હતો. બીજી તરફ દેવાસ કલેક્ટર ઋતુરાજ સિંહે SDM ઓફિસમાં સહાયક ગ્રેડ-3 અમિત ચૌહાણને પણ સસ્પેન્ડ કરી દીધા છે. વહીવટી ફેરબદલ કરતા અભિષેક શર્માને દેવાસના નવા SDM નિયુક્ત કરવામાં આવ્યા છે.
વાસ્તવમાં ઈન્દોરમાં દૂષિત પીવાના પાણીથી ફેલાયેલી બીમારી અને મોતને લઈને રાજ્યનું રાજકારણ પહેલેથી જ ગરમાયેલું હતું. આ વચ્ચે કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ એક પત્રકારના સવાલના જવાબમાં 'ઘંટા' શબ્દનો ઉપયોગ કરતા વિવાદ વધુ વકર્યો હતો. કોંગ્રેસે આ નિવેદનને અસંવેદનશીલ ગણાવીને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. આ રાજકીય માહોલ વચ્ચે દેવાસમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે SDM આનંદ માલવિયા દ્વારા એક સરકારી આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ આદેશનો હેતુ કોંગ્રેસના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન દરમિયાન શાંતિ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો હતો, પરંતુ આદેશની ભાષા અને સામગ્રીએ સમગ્ર વહીવટી તંત્રને કઠેડામાં ઊભું કરી દીધું.
સરકારી આદેશમાં શું વાંધાજનક હતું
વાઈરલ થયેલા આ આદેશમાં વહીવટી નિર્દેશોની સાથે-સાથે કોંગ્રેસના મેમોરેન્ડમમાં લગાવવામાં આવેલા સરકાર વિરોધી આરોપો, મૃત્યુઆંક અને મંત્રી કૈલાશ વિજયવર્ગીયની 'ઘંટા' ટિપ્પણીનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આવા આદેશમાં માત્ર કાયદો-વ્યવસ્થા, પોલીસની તહેનાતી અને વહીવટી દિશા-નિર્દેશો હોય છે, પરંતુ આ આદેશમાં રાજકીય ભાષા અને આરોપો સામેલ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આદેશનો એક ભાગ કોંગ્રેસના મેમોરેન્ડમમાંથી લગભગ શબ્દશઃ લેવામાં આવ્યો હતો, જેને સરકારી સ્તર પર સૌથી વધુ વાંધાજનક માનવામાં આવ્યું.
SDM આનંદ માલવિયા સસ્પેન્ડ
આ આદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થતાંની સાથે જ વિપક્ષે તેને વહીવટના રાજકીયકરણનું ઉદાહરણ ગણાવ્યું, જ્યારે બીજી તરફ સત્તારુઢ કેમ્પમાં પણ અસ્વસ્થતા સ્પષ્ટ દેખાઈ આવી. આ મામલો ટૂંક સમયમાં જ ભોપાલ સુધી પહોંચી ગયો અને ઉચ્ચ સ્તરીય રિપોર્ટ મંગાવવામાં આવ્યો. વહીવટી વર્તુળોમાં એ ચર્ચાએ જોર પકડ્યું કે એક જવાબદાર અધિકારી દ્વારા આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ ગઈ. જોત-જોતામાં ઉજ્જૈન વિભાગીય કમિશનર આશિષ સિંહે આ મામલાને ગંભીરતાથી લઈને SDM આનંદ માલવિયાને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરી દીધો.
આ મામલાની આંતરિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આદેશના ડ્રાફ્ટ અને ટાઈપિંગ સબંધિત કામોમાં SDM ઓફિસમાં પોસ્ટ કરાયેલા સહાયક ગ્રેડ-3 અમિત ચૌહાણની ભૂમિકા રહી છે. ત્યારબાદ દેવાસ કલેક્ટર ઋતુરાજ સિંહે સહાયક ગ્રેડ-3 અમિત ચૌહાણને સસ્પેન્ડ કરી દીધા. વહીવટી સૂત્રોનું કહેવું છે કે આ કાર્યવાહી દ્વારા એ મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, સરકારી દસ્તાવેજોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી કે રાજકીય સામગ્રી સાંખી લેવામાં આવશે નહીં.
નવા SDM નિયુક્ત, સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ
સસ્પેન્શન બાદ તરત જ વહીવટીતંત્રએ અભિષેક શર્માને દેવાસના નવા SDM તરીકે નિયુક્ત કરી દીધા છે. નવા એસડીએમએ કાર્યભાર સંભાળતા જ અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્પષ્ટ કર્યું છે કે, તમામ આદેશો અને નિર્દેશો સંપૂર્ણ રીતે વહીવટી ભાષા અને નિયમો પ્રમાણે જારી કરવામાં આવશે. બીજી તરફ હવે SDMને સસ્પેન્ડ કરતા લોકો કહી રહ્યા છે કે, 'અપશબ્દો' (ઘંટા) બોલનારા ભાજપ મંત્રી કૈલાશ વિજયવર્ગીય પર તો કોઈ કાર્યવાહી ન કરવામાં આવી પરંતું તેમના નિવેદનને સરકારી આદેશમાં લખવા બદલ કાર્યવાહી થઈ ગઈ. આ કેવો ન્યાય છે?








