મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અધધ... કરોડોની જ્વેલરી, પોશ વિસ્તારમાં 3 ફ્લેટ', આટલી છે ભાજપ નેતા બાંસુરી સ્વરાજની સંપત્તિ

દેશભરમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત બે તબક્કામાં મતદાન પૂરું થઈ ગયું છે. અન્ય તબક્કા માટે નોમિનેશન કાર્ય અને ચૂંટણી પ્રચાર ચ

'અધધ... કરોડોની જ્વેલરી, પોશ વિસ્તારમાં 3 ફ્લેટ', આટલી છે ભાજપ નેતા બાંસુરી સ્વરાજની સંપત્તિ

દેશભરમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત બે તબક્કામાં મતદાન પૂરું થઈ ગયું છે. અન્ય તબક્કા માટે નોમિનેશન કાર્ય અને ચૂંટણી પ્રચાર ચાલુ છે. આ દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ પણ ચૂંટણી મેદાનમાં છે. નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધવવા દરમિયાન તેમણે ચૂંટણી પંચ સમક્ષ પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. બાંસુરી સ્વરાજ પણ ભાજપના કરોડપતિ ઉમેદવારોની યાદીમાં સામેલ છે.

રૂ. 19 કરોડથી વધુ છે નેટવર્થ

પહેલીવાર ચૂંટણી લડી રહેલા બાંસુરી સ્વરાજે ચૂંટણી પંચને આપેલી માહિતી મુજબ તેમની કુલ સંપત્તિ લગભગ 19 કરોડ રૂપિયા છે. જેમાં 11.27 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 8 કરોડ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. વ્યવસાયે સુપ્રીમ કોર્ટના વકીલ બાંસુરી સ્વરાજે મંગળવારે પોતાનું નામાંકન ભર્યું હતું. તેઓ ભાજપના પ્રવક્તા પણ છે.

બંસુરી સ્વરાજે ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત University of Warwick (યુનિવર્સિટી ઓફ વોરવિક)માંથી અંગ્રેજી સાહિત્યમાં બીએ (ઓનર્સ) કર્યું છે અને લંડનની પ્રતિષ્ઠિત બીપીપી યુનિવર્સિટી લો સ્કૂલમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે, તેમની આવકનો મુખ્ય સ્ત્રોત વકીલાત છે. 40 વર્ષીય બાંસુરી નવી દિલ્હી સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોમનાથ ભારતી સામે ચૂંટણી લડી રહ્યા છે.

કરોડોની કિંમતની જ્વેલરી વારસામાં મળી

ચૂંટણીના સોગંદનામામાં તેમણે જણાવ્યું છે કે, તેમની આવકનો સ્રોત વકાલતની ફી તેમજ બેંક ડિપોઝિટનું વ્યાજ છે. એફિડેવિટ અનુસાર બાંસુરી સ્વરાજની કુલ જંગમ સંપત્તિમાં 11 કરોડ 27 લાખ 12 હજાર 42 રૂપિયાની સંપત્તિમાં તેમની માતા સુષ્મા સ્વરાજ પાસેથી વારસામાં મળેલા ઘરેણાં પણ સામેલ છે. જેમાં 61 લાખ 23 હજાર 111 રૂપિયાના સોનાના દાગીના અને 4 લાખ 27 હજાર 900 રૂપિયાની ચાંદીનો સમાવેશ થાય છે. આ સિવાય તેમને દાદા-દાદી પાસેથી 77,88,047 રૂપિયાનું સોનું અને 4,35,680 રૂપિયાની ચાંદી વારસામાં મળી છે.

દિલ્હીના પોશ વિસ્તારોમાં ફ્લેટ

ચૂંટણી પંચને આપેલી માહિતી મુજબ બાંસુરી સ્વરાજ પાસે 99 હજાર 444 રૂપિયા રોકડા છે. એફિડેવિટ અનુસાર, દિલ્હીના એક પોશ વિસ્તારમાં બાંસુરીના નામે ત્રણ ફ્લેટ છે, આ પણ તેમના પરિવાર તરફથી વારસામાં મળ્યા છે. આ સિવાય તેમની પાસે 8 કરોડ 2 લાખ 34 હજાર 486 રૂપિયાની કુલ સ્થાવર મિલકત છે, જેમાં હરિયાણામાં કેટલાક એકર પૈતૃક જમીનનો પણ સમાવેશ છે.

મર્સિડીઝ કાર, કોઈ જાતની લોન નહીં

સોગંધનામા મુજબ બાંસુરી સ્વરાજ પાસે મર્સિડિઝ બેન્ઝ સહિત બે ગાડી હોવાનું જણાવ્યું છે. મર્સિડિઝ બેન્ઝ ગયા વર્ષે જ ખરીદી હતી. આ કારની કિંમત 84 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય અન્ય ગાડીમાં ટોયોટા કારની કિંમત લગભગ 15 લાખ રૂપિયા છે. ખાસ વાત એ છે કે કરોડોની સંપત્તિ હોવા છતાં તેમના નામે કોઈ લોન કે દેવું નથી.

આ સમાચાર શેર કરો