દેશની સત્તાની ચાવી સમાન રાજ્યમાં BJPને પડ્યો છે જોરદાર ફટકો, શું આંતરીક ગજગ્રાહ ભારે પડ્યો
લોકસભા 2024ના પરિણામોમાં ઉત્તર પ્રદેશમાં રામ મંદિર નિર્માણ અને રામ લલાની

લોકસભા 2024ના પરિણામોમાં ઉત્તર પ્રદેશમાં રામ મંદિર નિર્માણ અને રામ લલાની પ્રતિષ્ઠા બાદ હિંદુઓના મોટાભાગના વોટ મેળવવાની આશા રાખનાર ભાજપને માત્ર 33 બેઠકો મળી છે. ગત લોકસભામાં 62 બેઠકો મેળવનાર ભાજપને મોટું નુકસાન ગયું છે. આ વિશે રાજકીય જાણકારો માને છે કે, આ લોકસભાની ચૂંટણીમાં ભાજપને 70થી વધુ બેઠક આવે તો સીએમ બદલવાની ભાજપ આલાકમાનની યોજનાના વિવાદે ભાજપની દુર્દશા કરી છે.
સીએમ બદલવાની ભાજપ આલાકમાનની યોજનાના વિવાદે ભાજપની દુર્દશા કરી
રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહ અને યોગી આદિત્યનાથને મોદીના ઉત્તરાધિકારી તરીકે જોવાય છે. અમિત શાહને ફાયદો થાય તે માટે યોગી આદિત્યનાથની રાજકીય કારકિર્દી પૂરી કરવાનો કારસો રચાયો હોવાના આરોપો મુકાયા હતા. ખાસ કરીને મોદી અને શાહના માનીતા પૂર્વ આઈએએસ અધિકારી એ.કે. શર્માને કેબિનેટ મંત્રીના બદલે સીએમ બનાવીને યોગીને રવાના કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી. યોગી અને શાહ વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલી આંતરિક સ્પર્ધા અને વિખવાદે મોટું સ્વરૂપ લેતાં ભાજપને પણ મોટું નુકસાન ગયું હોવાનો અંદાજે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સત્તા લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા નિવૃત્ત સરકારી ઉચ્ચ અધિકારી એ.કે.શર્મા ખૂબ જ ચર્ચામાં હતા. તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહના માનીતા અધિકારીઓમાં સ્થાન ધરાવતા હતા. સૂત્રોના મતે લોકસભા ૨૦૨૪ની ચૂંટણી પૂરી થયા બાદ યુપીમાં યોગી આદિત્યનાથને બદલીને એ.કે. શર્માને નવા સીએમ બનાવવાનો પ્લાન ચાલી રહ્યો હતો.રાજકીય જાણકારોના મતે ઘણા સમયથી યોગી આદિત્યનાથ અને અમિત શાહ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો. અમિત શાહ માની રહ્યા છે કે, આનંદીબેન પટેલ અને યોગી આદિત્યનાથ યુપીમાં જુથબંદી કરી રહ્યા છે. જાણકારોના મતે ગુજરાતમાં ચાલી રહેલું અવિશ્વાસનું રાજકારણ હવે યુપી પહોંચી ગયું છે. તેના પગલે જ યુપીમાં યોગીએ સુચવેલા ઉમેદવારોને ટિકિટ પણ અપાઈ નહોતી. તેના કારણે પણ ભાજપને મોટાપાયે બેઠકો ગુમાવવાનો કડવો ઘુંટડો પીવો પડ્યો છે.
યુપીના સીએમ પદના દાવેદાર એ.કે.શર્માનું ગુજરાત કનેક્શન
ઉલ્લેખનીય છે કે, અરવિંદ શર્મા ૧૯૮૮ બેચના આઈએએસ અધિકારી છે. તેઓ હાલમાં યુપીના કેબિનેટ મિનિસ્ટર તરીકે કાર્યરત છે. મહેસાણામાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે તેમનું પહેલું પોસ્ટિંગ થયું હતું. ૨૦૦૧માં મોદી સરકારમાં તેઓ સીએમઓમાં સેક્રેટરી તરીકે નિમાયા. તેમણે વડોદરા ડીડીઓ તરીકે પણ કામ કર્યું છે. આ ઉપરાંત ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજન માટે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે નરેન્દ્ર મોદી સાથે બે દાયકા સુધી કામ કર્યું છે. તેઓ ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના સીઈઓ પણ હતા. વાયબ્રન્ટ સમિટમાં પણ શર્માની ભૂમિકા મહત્ત્વની રહેતી હતી. નરેન્દ્ર મોદી પીએમ બનતાની સાથે જ તેઓ ૨૦૧૪માં પીએમઓમાં પહોંચ્યા. ત્યાં તેમને મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ વિભાગના સચિવ બનાવાયા. જાન્યુઆરી ૨૦૨૧માં જ તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી






