સંસદ અખાડો બની! ભાજપ-કોંગ્રેસના સાંસદોએ એક બીજા પર લગાવ્યો ધક્કામુક્કીનો આરોપ; જાણો શું છે વિવાદ
સંસદનું શિયાળુ સત્રમાં વિવાદ થઇ રહ્યો છે. અદાણીથી લઇને આંબેડકર પર અમિત શાહના નિવેદન

સંસદનું શિયાળુ સત્રમાં વિવાદ થઇ રહ્યો છે. અદાણીથી લઇને આંબેડકર પર અમિત શાહના નિવેદન પર વિવાદ થયો છે. સંસદ પરિસરની બહાર ધક્કામુકીમાં ભાજપના બે સાંસદ ઘાયલ થઇને હોસ્પિટલમાં દાખલ થયા છે. રાહુલ ગાંધી પર ભાજપે ધક્કા મારવાનો આરોપ લગાવ્યો છે. મહિલા સાંસદે પણ રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કેવી રીતે શરૂ થયો ધક્કામુકીનો વિવાદ?
આંબેડકર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીના સાંસદ વિરોધ કરતા હતા. આ સમયે ભાજપ પણ કોંગ્રેસ વિરૂદ્ધ પ્રદર્શન કરતું હતું. આ વચ્ચે ગુરૂવાર સવારે 10.40 વાગ્યે કોંગ્રેસ પ્રોટેસ્ટ કરતા સંસદના મકર દ્વાર સુધી પહોંચી હતી. આ સમયે ભાજપ મકર દ્વાર પર ઉભી હતી.
આ રીતે ભાજપ અને કોંગ્રેસના સાંસદ એક બીજાની સામે હતા. બન્ને તરફથી નારેબાજી થવા લાગી હતી. આ ઘટનાક્રમ 20 મિનિટ સુધી ચાલ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના સાંસદોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને ધક્કા માર્યા હતા. ભાજપે પણ આવો જ આરોપ લગાવ્યો હતો. ભાજપનો આરોપ છે કે આ વચ્ચે રાહુલ ગાંધીએ એક સાંસદ સાથે ધક્કા મુક્કી કરી હતી જેનાથી તેમના સાંસદ પ્રતાપ સારંગી પડી ગયા હતા અને તેમને ઇજા થઇ હતી. બીજી તરફ ભાજપના સાંસદ મુકેશ રાજપૂત પણ ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે ભાજપ સાંસદોએ રાહુલ ગાંધીને ઘેરી લીધા હતા. ભાજપના સાંસદોએ રાહુલ ગાંધીને જાણી જોઇને રોક્યા હતા અને તેમનો રસ્તો રોકી લીધો હતો. આ મામલે સ્પીકર સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
તમે ગુંડાગર્દી કરો છો- નિશિકાંત દુબે
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં રાહુલ ગાંધી તેસ્થળે જતા જોવા મળે છે જ્યાં સાંસદ પ્રતાપચંદ્ર સારંગી બેઠેલા હતા. ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને જે સમયે હોસ્પિટલ લઇ જવામાં આવતા હતા તે સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તે જગ્યાએથી પસાર થઇ રહ્યાં હતા. પ્રતાપ સારંગીને જોઇને રાહુલ ગાંધી થોડી વાર ઉભા રહ્યાં હતા અને ત્યારે જ ત્યાં નિશિકાંત દુબે અને વડોદરાના સાંસદે તેમના પર પ્રહાર કરવના શરૂ કર્યા હતા. વીડિયોમાં ભાજપના સાંસદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કહેતા હતા, ગુંડાગર્દી કરો છો...ઘરડાને ધક્કો મારીને પાડી દીધા. આ દરમિયાન ભાજપ સાંસદે ઇન્દિરા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
આ ઘટનાને લઇને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રતાપ સારંગીના આરોપ બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે કેમેરામાં બધુ કેદ છે. હું સદનમાં જવાનો પ્રયાસ કરતો હતો. ભાજપના સાંસદોએ મને ધકેલ્યો અને ધમકાવ્યો હતો. ખડગેજીને પણ ધક્કો માર્યો હતો. અમને ધક્કા મુક્કીથી કઇ થતું નથી. ભાજપના સાંસદ અમને સંસદમાં જતા રોકી શકતા નથી.
PM મોદીએ ખબરઅંતર પૂછ્યા
પોલીસ ફરિયાદમાં બંને પાર્ટીના બે સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતના ઘાયલ થયાની જાણકારી આપવાના છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે બે ઘાયલ સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને કોલ કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. હાલમાં બંને આઇસીયુમાં છે. બંનેની સારવાર પણ ચાલી રહી છે.
ડૉક્ટર શું બોલ્યા?
હૉસ્પિટલના ડૉક્ટરેએ કહ્યું કે, “બંને (પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત) સાંસદને માથામાં ઈજા થઈ હતી. તેઓ લગભગ 11.30 વાગ્યે હૉસ્પિટલ પહોંચ્યા. પ્રતાપ સારંગીને કપાળે ઈજા થઈ હતી. જ્યારે તેઓ આવ્યા ત્યારે ખૂબ લોહી વહી રહ્યું હતું. અમારે તેમને ટાંકા લેવા પડ્યા કારણ કે ઘા ખૂબ ઊંડો હતો. તેમનું બ્લડ પ્રેશર પણ વધી ગયું હતું તેથી અમે ટેસ્ટ કરાવી રહ્યા છીએ અને બ્લડ પ્રેશરને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે મગજનું સીટી સ્કેન પણ કરાવી રહ્યા છીએ.
આ પણ વાંચો: આંબેડકર વિવાદ પર કેજરીવાલનો નવો દાંવ; નીતિશ-નાયડુને NDAમાંથી સમર્થન પરત ખેંચવા કરી માંગ
કોંગ્રેસ સાંસદે ઓમ બિરલાને પત્ર લખ્યો
સંસદમાં ધક્કામુક્કી મામલે કોંગ્રેસ સાંસદ વતી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્ર કોંગ્રેસના સાંસદ કે. સી. વેણુગોપાલ, કે. સુરેશ, મણિકમ ટાગોર દ્વારા લખવામાં આવ્યો હતો. જેમણે આ મામલે કાર્યવાહીની માગ કરી હતી.








