આંબેડકર વિવાદ પર કેજરીવાલનો નવો દાંવ; નીતિશ-નાયડુને NDAમાંથી સમર્થન પરત ખેંચવા કરી માંગ
આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આંબેડકર વિવાદ પર નવો

આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આંબેડકર વિવાદ પર નવો દાંવ રમ્યો છે. કેજરીવાલ મોદી સરકારને પાડવા માંગે છે. કેજરીવાલે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પત્ર લખ્યો છે. NDA સરકારમાં બન્ને સહયોગીઓને સમર્થન પરત લેવા માટે વિચાર કરવા કહ્યું છે. લોકસભામાં ભાજપની 240 બેઠક છે. સરકાર ચાલતી રહે તેના માટે નીતિશ કુમારની JDU અને ચંદ્રબાબુ નાયડુની TDPની ભૂમિકા મહત્ત્વની છે.
કેજરીવાલે નીતિશ-નાયડુને લખ્યો પત્ર
કેજરીવાલે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને લખેલા પત્રને શેર પણ કર્યો છે જેમાં તેમને સંસદમાં અમિત શાહના નિવેદનનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કે ગૃહમંત્રીએ બાબા સાહેબનું અપમાનમ કર્યું છે. કેજરીવાલે કહ્યું કે તેનાથી દેશભરમાં કરોડો લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી છે. કેજરીવાલે લખ્યુ કે અમિત શાહે પોતાના નિવેદન પર માફી માંગવાની જગ્યાએ તેને યોગ્ય ઠેરવ્યું છે. વડાપ્રધાને પણ સાર્વજનિક રીતે અમિત શાહનું સમર્થન કર્યું છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે લખ્યુ, 'લોકો એવો અનુભવ કરવા લાગ્યા છે કે જો બાબા સાહેબનું સમ્માન કરે છે તે ભાજપનું સમર્થન નથી કરી શકતા. બાબા સાહેબ માત્ર એક નેતા નથી, રાષ્ટ્રની આત્મા છે. ભાજપના આ નિવેદન બાદ લોકો તમારી પાસે આશા રાખે છે કે આ મુદ્દા પર ઊંડાઇથી ચર્ચા કરો.' અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલા ભાજપ કાર્યાલય પાસે પ્રદર્શન પણ કર્યું હતું.
આ પણ વાંચો: આંબેડકર પર નિવેદન મુદ્દે અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું ‘મારી વાતને તોડી-મરોડીને રજૂ કરાઈ’
મહત્ત્વપૂર્ણ છે કે બંધારણ પર સંસદમાં ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને લઇને કોંગ્રેસના વલણની ટીકા કરી રહ્યાં હતા. આ દરમિયાન અમિત શાહ તરફથી કરવામાં આવેલી એક ટિપ્પણીને લઇને વિવાદ થયો છે. અમિત શાહ પર વિપક્ષ બંધારણના નિર્માતાનું અપમાનનો આરોપ લગાવી રહ્યું છે. જોકે, ખુદ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની સ્પષ્ટતા આપી હતી. અમિત શાહે કહ્યું કે તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. અમિત શાહે મીડિયાને અપીલ કરી હતી કે તેમનું પુરુ નિવેદન બતાવવામાં આવે. ભાજપનો આરોપ છે કે અમિત શાહનો 12 સેકન્ડની વીડિયો ક્લિપને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.








