BJP ઉમેદવાર પર EVMમાં તોડફોડ કરવાનો આરોપ, ધરપકડ કરીને જેલમાં ધકેલાયો
એક તરફ લોકસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ઓડ

એક તરફ લોકસભા ચૂંટણી માટે છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ઓડિશામાં ખુર્દામાં એક ભાજપના ઉમેદવારની EVMમાં તોડફોડ કરવાના આરોપ બદલ ધરપકડ કરવામાં આવી છે. ઈવીએમમાં ખામી સર્જાતા તેમને મતદાન કરવા માટે લાંબા સમય સુધી લાઇનમાં રાહ જોવી પડી હતી.
પ્રિસાઇડિંગ ઓફિસર વચ્ચે થઈ હતી દલીલ
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પ્રશાંત જગદેવ તેમની પત્ની સાથે બૂથ પર ગયા હતા, પરંતુ ઈવીએમ ખરાબ થવાના કારણે તેમને વોટ આપવા માટે થોડા સમય સુધી રાહ જોવી પડી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની અને પ્રિસાઇડિંગ ઓફિસર વચ્ચે દલીલ થઈ હતી. દરમિયાન તેણે ટેબલ પરથી ઈવીએમ ખેંચતા તૂટી ગયું હતું.
ઓફિસરની ફરિયાદના આધારે ધારાસભ્યની ધરપકડ કરાઈ
પોલીસ અધિક્ષક અવિનાશ કુમારે જણાવ્યું કે, પ્રિસાઇડિંગ ઓફિસરની ફરિયાદના આધારે ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે. એસપીએ કહ્યું કે, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ સિવાય જગદેવ વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે પ્રશાંત જગદેવને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો અને હાલમાં તે ખુર્દા જેલમાં બંધ છે.
42 વિધાનસભા સીટો માટે મતદાન થયું
ચિલ્કાના બીજેપી ધારાસભ્ય પ્રશાંત જગદેવને આ વખતે ખુર્દા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઓડિશામાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. આ ઘટના શનિવારે બેગુનિયા વિધાનસભા ક્ષેત્રના બોલાગાડ બ્લોકના કૌનરીપટનાના બૂથ 114 પર બની હતી. શનિવારે રાજ્યની 6 લોકસભા બેઠકની સાથે 42 વિધાનસભા સીટો માટે મતદાન થયું હતું.








