ભારતને મોટો ઝટકો: રશિયા-ઈરાન પાસેથી સસ્તું ઓઈલ ખરીદવાની છૂટ અમેરિકાએ સમાપ્ત કરી
Iran Russia Oil and India : રશિયા અને ઈરાન પાસેથી ઓઈલની આયાત બંધ થવાથી હવે ભારતની

Iran Russia Oil and India : રશિયા અને ઈરાન પાસેથી ઓઈલની આયાત બંધ થવાથી હવે ભારતની નિર્ભરતા ખાડીના અન્ય દેશો અથવા અમેરિકાના સ્થાનિક બજાર પર વધશે, જે ભારતને મોંઘું પડી શકે છે. પુરવઠો ઘટવાથી દેશમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.
શું છે અમેરિકાનો નવો નિર્ણય?
અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન ઉભી થયેલી ઓઈલની કમીને પહોંચી વળવા અમેરિકાએ રશિયન ઓઈલની ખરીદી પર જે છૂટછાટ આપી હતી તેની મર્યાદા 11 એપ્રિલ ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે બુધવારે જાહેરાત કરી છે કે, રશિયન અને ઈરાની ઓઈલની ખરીદી માટે અપાયેલી પ્રતિબંધોની છૂટછાટની સમયમર્યાદા હવે લંબાવવામાં આવશે નહીં.
ભારત પર તેની અસર
ભારત આ છૂટછાટનો સૌથી મોટો લાભાર્થી રહ્યો છે. અહેવાલો અનુસાર, છૂટ મળ્યા બાદ ભારતે રશિયા પાસેથી લગભગ 3 કરોડ બેરલ ઓઈલના ઓર્ડર આપ્યા હતા. રિલાયન્સ જેવી ભારતીય રિફાઇનરીઓએ અગાઉ પ્રતિબંધોને કારણે રશિયન સપ્લાયર્સથી અંતર જાળવ્યું હતું, પરંતુ છૂટ બાદ ફરીથી ખરીદી શરૂ કરી હતી. રશિયા માટેની છૂટ 11 એપ્રિલ 2026ના રોજ સમાપ્ત થઈ છે, જ્યારે ઈરાન માટેની આ છૂટ 19 એપ્રિલ ના રોજ સમાપ્ત થવા જઈ રહી છે.
ટ્રમ્પ પ્રશાસનનો બદલાયેલો સૂર
અત્યાર સુધી ટ્રમ્પ વહીવટીતંત્રે વૈશ્વિક ઓઈલ બજારને સ્થિર કરવા માટે હંગામી નીતિ અપનાવી હતી. જોકે, અમેરિકામાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આ છૂટછાટની આકરી ટીકા કરવામાં આવી રહી હતી. વિપક્ષી નેતાઓનો આરોપ હતો કે આ છૂટછાટથી મળેલા પૈસાનો ઉપયોગ રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં કરી રહ્યું છે. હવે ટ્રેઝરી સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ નવું લાયસન્સ આપવામાં આવશે નહીં.
હવે ભારત પાસે કયો વિકલ્પ?
રશિયા અને ઈરાન જેવા સસ્તા સ્ત્રોતો બંધ થતા ભારત માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ શકે છે. ભારત હવે રશિયા સાથે વેપાર ચાલુ રાખવા માટે રૂપિયા-રૂબલ (Rupee-Ruble) પેમેન્ટ ગેટવે જેવા વૈકલ્પિક રસ્તાઓ પર ગંભીરતાથી વિચાર કરી શકે છે, જે અમેરિકન પ્રતિબંધોની મર્યાદામાં ન આવતા હોય.











