Video: નંબર પ્લેટ છુપાવીને 'ફટાકડા' ફોડતા વાહનચાલકો સાવધાન, હવે ખિસ્સામાંથી પાંચગણી રકમ થશે ખાલી!

ટોલ બચાવવા નંબર પ્લેટ છુપાવવાની ચાલ હવે ખિસ્સાને ભારે પડી શકે છે. સરકારની નવી તૈયારી મુજબ, ટોલચોરી માટે નંબર પ્લેટ સાથે ચેડાં કરનારાઓને પાંચગણો દંડ ભરવો પડી શકે છે. એટલે ટોલ બચાવવાની યુક્તિ હવે છ ગણું બિલ બનીને પાછી આવશે. રસ્તા પર સ્માર્ટ ટેક્નોલોજી સામે ચાલાકીનો ખેલ હવે મુશ્કેલ બનશે.
મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ હેઠળ ટોલ ચૂકવવાથી બચવા નંબર પ્લેટ છુપાવનાર, તેમાં ફેરફાર કરનાર અથવા વાહન પર ફાસ્ટેગ ન લગાવનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આવા કિસ્સાઓમાં નિર્ધારિત ટોલ ટેક્સ ઉપરાંત પાંચગણો દંડ વસૂલવાનો નિર્ણય લીધો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. દંડની રકમ સંબંધિત સત્તાધિકારીને જમા કરવામાં આવશે. આ નિયમ ત્યારે લાગુ થશે, જ્યારે તપાસમાં સાબિત થાય કે વાહનચાલકે જાણબૂઝીને ટોલ ચૂકવવાથી બચવા નંબર પ્લેટ છુપાવી હતી, તેની સાથે ચેડાં કર્યા હતા અથવા ફાસ્ટેગ લગાવ્યો નહોતો. આગળની નંબર પ્લેટ, પાછળની નંબર પ્લેટ અથવા બંને છુપાવવાના કિસ્સાઓમાં પણ કાર્યવાહી થઈ શકે છે, ખાસ કરીને જ્યારે ફાસ્ટેગ રીડર વાહનને ઓળખી ન શકે.
મલ્ટી-લેન ફ્રી ફ્લો એટલે MLFF એક આધુનિક ઇલેક્ટ્રોનિક ટોલિંગ વ્યવસ્થા છે, જેમાં ટોલ પ્લાઝા પર વાહનોને રોકવાની જરૂર પડતી નથી. રસ્તા ઉપર લગાવવામાં આવેલા ગેન્ટ્રી પર ફાસ્ટેગ રીડર અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા વાહનની ઓળખ કરે છે અને નિર્ધારિત ટોલ આપમેળે વસૂલવામાં આવે છે. આ ટેક્નોલોજીથી લાંબી કતારો, ટ્રાફિકજામ, ઇંધણનો વપરાશ અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળે છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, જ્યાં MLFF સિસ્ટમ લાગુ છે ત્યાં આ દંડ વ્યવસ્થા અમલમાં મૂકવાનો પ્રસ્તાવ છે. ભવિષ્યમાં જ્યાં નવી સિસ્ટમ શરૂ થશે, ત્યાં પણ આ નિયમ લાગુ થઈ શકે છે.
મંત્રાલયે વાહનચાલકોને નંબર પ્લેટ સ્પષ્ટ અને દેખાય તેવી રાખવા, વાહનમાં ફાસ્ટેગ ફરજિયાત લગાવવા અને ટોલ સમયસર ચૂકવવાની સલાહ આપી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની ઓળખ અદ્યતન ટેક્નોલોજી અને મજબૂત દેખરેખ દ્વારા કરવામાં આવશે. સરળ ઉદાહરણ તરીકે, જો કોઈ વાહનનો સામાન્ય ટોલ 100 રૂપિયા હોય અને વાહનચાલક ટોલચોરીનો દોષી સાબિત થાય, તો તેને 100 રૂપિયા મૂળ ટોલ અને 500 રૂપિયા દંડ, એટલે કુલ 600 રૂપિયા ચૂકવવા પડશે. એટલે ટોલ બચાવવાની પાંચ રૂપિયાની ચાલ હોય કે મોટી યુક્તિ, અંતે ખર્ચ છ ગણો થઈ શકે છે








