ગોધરા નજીક દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓની ધરપકડ, પોલીસને થાપ આપવા કાર પર લગાવી હતી ખોટી નંબર પ્લેટ

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં દિલ્હી-મુંબઈ કોરિડોર પર આંબલી ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ખોટી નંબર પ્લેટ લગાવી રાજસ્થાનથી વડોદરા તરફ વિદેશી દારૂનો જથ્થો લઈ જતી એક સ્વિફ્ટ કારને પોલીસે ઝડપી પાડી છે.
કાર સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત
આ કાર્યવાહી દરમિયાન SMCની ટીમે કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 1,510 નંગ જપ્ત કર્યા છે. આ સાથે જ કારની અંદરથી ઓરિજિનલ નંબર પ્લેટ પણ મળી આવી છે. દારૂનો જથ્થો અને સ્વિફ્ટ કાર સહિત કુલ ₹10 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
2 આરોપીઓની ધરપકડ અને 7 વિરુદ્ધ ફરિયાદ
પોલીસે ઘટનાસ્થળેથી દારૂની હેરાફેરી કરી રહેલા 2 આરોપીઓ અશોક જાટ અને નર્સિંગારામ જાટની ધરપકડ કરી છે. આ ઉપરાંત, દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિત આ ગુનામાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.











