મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભામાં જેની ચર્ચા થઈ તે 'હલવો' ભારતમાં આ દેશમાંથી આવ્યો છે, જાણો રસપ્રદ વાત

સંસદના ચાલુ ચોમાસું સત્રમાં સોમવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી બજેટ પર ચર્ચા કરતી વખતે તેમણે ગૃહમાં કેન્દ્રીય બજ

લોકસભામાં જેની ચર્ચા થઈ તે 'હલવો' ભારતમાં આ દેશમાંથી આવ્યો છે, જાણો રસપ્રદ વાત

સંસદના ચાલુ ચોમાસું સત્રમાં સોમવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી બજેટ પર ચર્ચા કરતી વખતે તેમણે ગૃહમાં કેન્દ્રીય બજેટ પહેલા આયોજિત 'હલવા સમારોહ'નો ફોટો બતાવ્યો અને કહ્યું, "આ ફોટોમાં બજેટનો હલવો વહેંચવામાં આવી રહ્યો છે. પણ મને ફોટામાં કોઈ ઓબીસી, આદિવાસી કે દલિત અધિકારી દેખાતો નથી. દેશનો હલવો વહેંચાઈ રહ્યો છે અને તેમાંથી દેશની 73 ટકા જનતા ક્યાંય દેખાતી નથી. બજેટનો હલવો વહેંચાઈ રહ્યો છે પણ દેશને હલવો નથી મળી રહ્યો."

ચાલો આ બહાને જાણીએ કે કેવી રીતે અરબમાં પ્રચલિત હલવો ભારતીય સંસ્કૃતિમાં એટલો સમાઈ ગયો કે આજે તે ભારતીય વાનગી બની ગયો છે.

'હલવા' શબ્દ અરબી શબ્દ 'હુલવ' પરથી આવ્યો છે, જેનો અર્થ 'ગળ્યું' થાય છે. શરૂઆતમાં આ મીઠાઈ ખજૂરની પેસ્ટ અને દૂધમાંથી બનાવાતી હતી. આજે પણ અરબ લોકો ખાસ મહેમાનો માટે 'ઓમાની હલવો' પીરસે છે, જે સ્ટાર્ચ, ઇંડા, ખાંડ, બદામ અને ઘીમાંથી બને છે. અરબ દેશો અને પશ્ચિમ એશિયામાં આ મીઠાઈ હલાવા, હલેવેહ, હેલવા, હલવાહ, હાલવા, હેલાવા, હેલવા તરીકે ઓળખાય છે.

હલવાની શોધ ક્યાં અને ક્યારે થઇ?

હલવાની શોધને લઈને ઘણી દલીલો અને દાવાઓ કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, સૌથી પહેલા હલવો બનાવવાની શરૂઆત તૂર્કીમાં કરવામાં આવી હતી. ઈસ્તાંબુલમાં ઘણાં દુકાનદારો દાવો કરે છે કે હલવાની શોધ અને સૌથી જૂની રેસીપી અહીં બનાવવામાં આવી હતી. 'હિસ્ટોકિલ ડિક્શનરી ઓફ ઈન્ડિયન ફૂડ'માં, ખાદ્ય ઈતિહાસકાર કે. ટી. આચાય લખે છે કે, જ્યારે હલવો પહેલી વખત અંગ્રેજી ભાષામાં પ્રવેશ્યો ત્યારે તેનો ઉપયોગ તલ અને મધમાંથી બનેલી ટર્કિશ મીઠાઈ માટે કરવામાં આવતો હતો. હલવાની રેસીપી નો પહેલીવાર ઉલ્લેખ 13મી સદીના અરબી પુસ્તક 'કિતાબ-અલ-તબિક'માં જોવા મળે છે. આ વાનગીઓનું પુસ્તક છે, જે મુહમ્મદ-ઇબ્ન-અલ-હસન-ઇબ્ન-અલ-કરીમ દ્વારા લખવામાં આવ્યું હતું. તેમાં આઠ પ્રકારના હલવાની રેસિપી આપવામાં આવી છે.

કેટલાક ઈતિહાસકારો અનુસાર હલવાનો જન્મ ઓટ્ટોમન સામ્રાજ્યના સુલતાન સુલેમાન (1520-1566)ના રસોઈઘરમાં થયો હતો. કહેવાય છે કે સુલતાનને હલવો એટલો ગમતો હતો કે તેણે હલવા માટે અલગ રસોડું બનાવ્યું હતું. આ રસોડું 'હેલવાહને' અથવા 'મીઠાઈ રૂમ' કહેવાતો હતો.

ભારત ક્યારે પહોંચ્યો 'હલવો'

અરેબિયન હલવો દિલ્હી સલ્તનત દરમિયાન ભારતમાં આવ્યો હતો. 'ફિસ્ટ્સ એન્ડ ફાસ્ટ્સ' અનુસાર, હલવો ભારતમાં 13મી સદીની શરૂઆતથી લઈને 16મી સદીના મધ્ય સુધીમાં આવ્યો હશે. માળવાના સુલતાન માટે સન 1500માં લખાયેલ પુસ્તક 'નિમતનામા અથવા ધ બુક ઓફ ડિલાઈટ્સ'માં હલવો અને તેની રેસીપીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લખનૌના ઈતિહાસકાર અબ્દુલ હલીમ શરરે તેમના પુસ્તક 'ગુજિશતા લખનૌ'માં લખ્યું છે કે હલવો અરબી દેશોમાંથી પર્શિયા થઈને ભારતમાં આવ્યો હતો. જ્યારે ઈતિહાસકાર લીલી સ્વર્ણનું માનવું છે કે, હલવો સીરિયા અને અફઘાનિસ્તાન થઈને ભારત આવ્યો હતો. તેના પુસ્તક ‘ડિફરન્ટ ટ્રુથ’માં તે લખે છે કે હલવો સીરિયા થઈને અફઘાનિસ્તાન આવ્યો હતો. પછી 16મી સદીમાં મુઘલ સમ્રાટોના રસોડામાંથી હલવો સમગ્ર ભારતમાં લોકપ્રિય બન્યો હતો.

ભારતમાં ગાજરનો હલવો પ્રખ્યાત કરવામાં મુઘલોનું મોટું યોગદાન છે. ગાજર પહેલીવાર પર્શિયા અને અફઘાનિસ્તાનથી ભારતમાં લાવવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, ભારતમાં સદીઓથી ગાજરની ખેતી કરવામાં આવી રહી છે અને  તેનો ઉપયોગ બાદશાહો અને રાજાઓના રસોડામાં થતો હતો. મુઘલ કાળ દરમિયાન તેને મોટી આબાદીના આહાર તરીકે ઓળખ મળી હતી. મુઘલ સામ્રાજ્યના સ્થાપકની પુત્રી અને સમ્રાટ હુમાયુની બહેન ગુલબદન બેગમ તેના "હલવા-એ જરદક" (ગાજરનો હલવો) માટે જાણીતી હતી.

આ સમાચાર શેર કરો