'મુખ્યમંત્રી માટે ફાળવેલા આવાસ પર આતિશી રહેવા ગયા જ નથી', PWDની સ્પષ્ટતા બાદ નવો વળાંક
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ થોડી વાર પહેલાં જ ભાજપની કેન્દ્ર સરકાર પર ઘર

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ થોડી વાર પહેલાં જ ભાજપની કેન્દ્ર સરકાર પર ઘર છીનવી લેવાનો આરોપ મૂક્યો હતો. જેના પર પીડબ્લ્યૂડીની સ્પષ્ટતા બાદ એક નવો વળાંક જોવા મળ્યો છે. પીડબ્લ્યૂડીએ સ્પષ્ટતા આપી છે કે, 'આતિશી ક્યારેય મુખ્યમંત્રી માટે ફાળવવામાં આવેલા આવાસ પર રહેવા ગયા જ ન હતાં.'
આ પણ વાંચોઃ 'મને ફરીથી મુખ્યમંત્રી આવાસની બહાર ફેંકી દેવામાં આવી', CM આતિશીએ કેન્દ્ર પર સાધ્યું નિશાન
આતિશીને બે મકાન ઓફર કરાયા
પીડબ્લ્યૂડીએ જણાવ્યું કે, આતિશીને 17 એબી મથુરા રોડ પર સરકારી આવાસ પહેલાંથી જ ફાળવવામાં આવેલો હતો. બાદમાં તેમને ફરી બે બંગ્લો ઓફર કરવામાં આવ્યા હતા. આ બંને આવાસ સરકાર દ્વારા પરત લઈ લેવા પાછળ બે કારણો જવાબદાર છે. એક આ બંગ્લો ફાળવ્યાના એક સપ્તાહની અંદર જ તેમણે ઘરનું પઝેશન લેવાનું હતું. પરંતુ તેઓ 3 મહિના થયા હોવા છતાં આ આવાસમાં રહેવા ગયા ન હતાં. બીજું 6 ફ્લેગ સ્ટાફ રોડ સીબીઆઈ-ઈડીની તપાસ કાર્યવાહી હેઠળ છે. જેથી આતિશીને આ કાર્યવાહીમાં સહકાર આપવાની શરતે બંગ્લો ફાળવવામાં આવ્યો હતો.
CAGએ નિર્માણમાં ભ્રષ્ટાચારની ખાતરી કરી
આતિશીએ મુખ્યમંત્રી માટે ફાળવવામાં આવેલો 6 ફ્લેગ સ્ટાફ રોડ આવાસનું પઝેશન જાણી જોઈને લીધું ન હતું. કારણકે, CAGના રિપોર્ટમાં તેના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની જાણ થઈ હતી. જેથી આવાસ પર ચાલી રહેલી સીબીઆઈ-ઈડી તપાસમાં સહયોગ આપવો ન પડે અને તપાસ પૂર્ણ ન થાય તેવા ઉદ્દેશ સાથે આતિશી ઘરનું પઝેશન લઈ રહ્યા ન હતા.
આતિશીએ મૂક્યો હતો આરોપ
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ મુખ્યમંત્રી આતિશીએ કેન્દ્ર સરકાર પર તેમનું નિવાસ સ્થાન ફરી છીનવી લીધુ હોવાનો આરોપ મૂક્યો છે. આતિશીએ એક પત્રના માધ્યમથી ભાજપે અડધી રાત્રે સીએમ પદ માટે ફાળવવામાં આવેલું નિવાસ સ્થાન તાત્કાલિક ધોરણે ખાલી કરાવ્યું હોવાનો આરોપ મૂક્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ દાવો કર્યો છે કે, 'મને મુખ્યમંત્રી માટે ઘર મળ્યું હતું. પરંતુ તેનું એલોટમેન્ટ ભાજપ સરકારે રદ કરી દીધું છે. મારૂ ઘર છીનવાઈ ગયું છે. ચૂંટણીની તારીખો જાહેર થયાના એક રાત પહેલાં જ મને મારા નિવાસ સ્થાનમાંથી બહાર કરવામાં આવી હતી. ત્રણ મહિનામાં બે વખત મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી.'






