મોદીજીને કોણ રોકી રહ્યું છે, વાયનાડથી ચૂંટણી લડે...', પ્રિયંકાને ઉમેદવાર જાહેર કરતા કોંગ્રેસ નેતાનો ખુલ્લો પડકાર
રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ રાયબરેલી

રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ રાયબરેલીથી સાંસદ તરીકે ચાલુ રહેશે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે, વાયનાડની ખાલી થયેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી પેટા ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે. વાયનાડથી પ્રિયંકાને ઉમેદવાર જાહેર કરતાં જ કોંગ્રેસે પીએમ મોદીને વાયનાડથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું, મોદીજી પણ આવે... વાયનાડથી ચૂંટણી લડવા... એમને કોણ રોકી રહ્યું છે?
કોંગ્રેસ નેતા પવન ખેડાએ રાહુલ ગાંધીએ રાયબરેલીની સાંસદ તરીકે ચાલુ રહેવા અને વાયનાડ છોડવાના નિર્ણય બાબતે કહ્યું કે, અમને આ નિર્ણય ગમ્યો. સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. વાયનાડથી પ્રિયંકાની સામે ભાજપના કોઈપણ ઉમેદવાર આવી જાય, પીએમ મોદી પણ વાયનાડથી લડવા આવી જાય.... તેમને ચૂંટણી લડવાથી કોણ રોકી શકે છે...વારાણસીમાં માંડ માંડ સંઘર્ષથી જીત્યા છે.
ખડગેએ કરી હતી જાહેરાત
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે કોંગ્રેસની પાર્લામેન્ટરી બેઠક પછી જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ રહેશે, અને વાયનાડની બેઠક ખાલી કરશે. રાહુલ ગાંધીની ખાલી થયેલી વાયનાડ બેઠક પર પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવ્યા છે. આ નિર્ણય બાદ રાહુલ ગાંધીએ મંગળવારે સવારે વાયનાડ સીટ પરથી પોતાનું રાજીનામું લોકસભામાં મોકલી દીધું છે. બીજી તરફ પ્રિયંકા ગાંધીએ પણ પાર્ટીના આ નિર્ણયને આવકાર્યો છે.
રાહુલ ગાંધી 2019ની જેમ આ વખતે લોકસભામાં સલામતી માટે વાયનાડ અને રાયબરેલી એમ બે બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. અને બંને બેઠકો જીતી હતી. 2019માં અમેઠી અને વાયનાડથી ચૂંટણી લડ્યા, પરંતુ અમેઠીમાં સ્મૃતિ સામે હારી ગયા હતા. અને વાયનાડથી સાંસદ તરીકે લોકસભામાં પહોંચ્યા હતા.






