'ગેસ સંકટને પગલે બેંગલુરુમાં કાલથી તમામ હોટલોના શટર બંધ', એસોસિયેશને લીધો મોટો નિર્ણય

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને પગલે ક્રૂડ સંકટ ઘેરાયું છે. છેલ્લા 9 દિવસથી ચાલી રહેલા યુદ્ધને પગલે ગેસની પણ અછત સર્જાઈ રહી છે. ભારતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. દરમિયાન બેંગલુરુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતનો સામનો કરી રહ્યાના સમાચારો વચ્ચે આવતીકાલે અર્થાત મંગળવારે 10 માર્ચથી હોટલો બંધ રહેશે. બેંગલુરુ હોટેલ્સ એસોસિએશને જાહેરાત કરી છે કે આવતીકાલથી સમગ્ર શહેરમાં હોટલો બંધ રાખવામાં આવશે.
એસોસિએશન દ્વારા જારી કરાયેલ નિવેદન
આ નિર્ણય કોમર્શિયલ એલપીજી સિલિન્ડરોના પુરવઠામાં અચાનક વિક્ષેપને કારણે લેવામાં આવ્યો છે, જેના કારણે હજારો હોટલ અને રેસ્ટોરન્ટ તેમનું સંચાલન ચાલુ રાખવામાં અસમર્થ છે. એસોસિએશન દ્વારા જારી કરાયેલા એક પ્રેસ સ્ટેટમેન્ટ મુજબ ક્રૂડ કંપનઈઓએ અગાઉ ઓછામાં ઓછા 70 દિવસ માટે અવિરત ગેસ સપ્લાયની ખાતરી આપી હતી, પરંતુ અચાનક વિક્ષેપથી હોટેલ ઉદ્યોગ ગંભીર સંકટમાં મુકાઈ ગયો છે.
લાખો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે
એસોસિએશનના આ નિર્ણયને પગલે શહેરના લાખો લોકો, ખાસ કરીને ઓફિસ કામદારો અને મુસાફરો માટે ખાવા પીવાની વ્યવસ્થામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હોટેલ માલિકોએ સરકાર અને તેલ કંપનીઓને તાત્કાલિક ગેસ સપ્લાય પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે જેથી વ્યવસાય સામાન્ય થઈ શકે.

