દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ; દિલ્હીમાં હવા ગંભીર શ્રેણીમાં તો અમદાવાદમાં વિઝિબિલિટી ઘટી

દિવાળીની ઉજવણી વચ્ચે હવાનું પ્રદૂષણ; દિલ્હીમાં હવા ગંભીર શ્રેણીમાં તો અમદાવાદમાં વિઝિબિલિટી ઘટી
તસવીર: Google
આ સમાચાર સાંભળો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે (8 નવેમ્બર) હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં નોંધાઈ હતી. સાંજેથી ચાલી રહેલા દિવાળીના સેલિબ્રેશન બાદ તે વધુ ખરાબ શ્રેણીમાં પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં ધુમ્મસની જાડી પરત અને ઓછી વિઝિબિલિટી સાથે રવિવારે હવાની ગુણવત્તાનો સરેરાશ આંક (AQI) 376 નોંધાયો હતો, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં ગણવામાં આવે છે. બીજી તરફ ફટાકડાના ધુમાડાના કારણે અમદાવાદમાં વિઝિબિલિટી ઘટી ગઈ છે અને AQI 250ને પાર પહોંચી ગયો છે.

સૌથી વધુ AQI જહાંગીરપુરીમાં 463

જાહેરાત

દિલ્હીમાં દિવાળી સેલિબ્રેશન, વાહનોથી થતા પ્રદૂષણ અને પરાલી સળગાવવાના કારણે સોમવારે (9 નવેમ્બર) હવાની ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવાની ગુણવત્તા રેકોર્ડ કરતા શહેરમાં આવેલા 59 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 12 સ્ટેશનોમાં રવિવારે AQI 'ગંભીર' શ્રેણીમાં, જ્યારે 22 સ્ટેશનોમાં 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં નોંધાયો હતો. સૌથી વધુ AQI જહાંગીરપુરીમાં 463 નોંધાયો હતો.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના ધોરણો મુજબ એક્યુઆઈ (AQI) મુખ્યત્વે કુલ છ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે

શૂન્ય થી 50: સારું
51 થી 100: સંતોષકારક
101 થી 200: મધ્યમ
201 થી 300: ખરાબ
301 થી 400: ખૂબ જ ખરાબ
401 થી 500: ગંભીર

પ્રદૂષણ પર રાજકીય નિવેદનબાજી શરૂ

દિલ્હીમાં દિવાળીના અવસરે થતા પ્રદૂષણ પર સરકારની ઝાટકણી કાઢતા કૉંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે, 'દિલ્હીમાં એક એવી બિનજવાબદાર સરકાર છે, જે એ જાણવા છતાં કે એર ક્વૉલિટી ઇન્ડેક્સ 350-400 સુધી પહોંચી ગયો છે, મુખ્યમંત્રી અને ભારતના ગૃહમંત્રી ફટાકડા ફોડવાની અને વેચવાની મંજૂરી આપી રહ્યા છે. માસૂમ બાળકો અસ્થમાથી પીડિત થઈ રહ્યા છે, વડીલો બીમાર પડી રહ્યા છે અને અમીર લોકો દિલ્હી છોડીને જઈ રહ્યા છે, પરંતુ આ સરકાર માત્ર વૉટ-બૅન્કના રાજકારણમાં જ વ્યસ્ત છે. આ સરકારને જનતાના ભલા સાથે કોઈ લેવાદેવા નથી.'

150થી વધુ એર ક્વોલિટી ઈન્ડેક્સ હોય તો, ચાર સિગારેટનો ધુમાડો શ્વાસ મારફતે શ્વાસમાં પ્રવેશે

આ ઝેરી હવામાં શ્વાસ લેવાના કારણે હોસ્પિટલોમાં ખાસ કરીને શ્વાસ સંબંધી ઈમરજન્સીના કેસો વધવાની આશંકા તબીબો વ્યક્ત કરી રહ્યા છે. ઝેરી હવાને લીધે લોકોને આંખમાં બળતરા, ગળામાં ઈન્ફેક્શન અને સતત ઉધરસની સમસ્યા થઈ રહી છે. અસ્થમાં, બ્રોન્કાઈટીસ અને હ્રદયના દર્દીઓ માટે આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે. તબીબોના મતે, લાંબા સમય સુધી આવી પ્રદૂષિત હવામાં રહેવાથી ફેફસાના કેન્સરનું જોખમ પણ વધી જાય છે. 150થી વધુ એર ક્વોલિટી ઈન્ડેક્સ હોય તો, ચાર સિગારેટનો ધુમાડો શ્વાસ મારફતે શ્વાસમાં પ્રવેશે છે. આવા સમયે વયોવૃદ્ધો, બાળકો અને શ્વાસના દર્દીઓને વહેલી સવારે કે મોડી રાત્રે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને માસ્કનો ઉપયોગ કરવે હિતાવહ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત