બિહાર: દિગ્ગજ નેતાનું અપમાન કર્યા બાદ BJP અને JDU વચ્ચે વધ્યો ખટરાગ, નીતિશકુમારે આપ્યો આ મેસેજ
બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે એનડીએના નેતાઓની બોલાવેલી બેઠકમાં

બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે એનડીએના નેતાઓની બોલાવેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને પહેલી હરોળમાં સ્થાન નહીં આપીને અપમાનિત કરતાં ભાજપ અને જેડીયુ વચ્ચે લડાઈ જામી છે. ગિરિરાજ સિંહને બીજી હરોળમાં છેક છેલ્લી ખુરશી પર જગ્યા અપાઈ હતી. ગિરિરાજને અપમાનિત કરીને નીતિશ કુમારે ભાજપ હાઈકમાન્ડને પોતાની હરકતો બંધ કરાવવા મેસેજ આપ્યો હોવાનું પણ મનાય છે.
ગિરિરાજ સિંહને પ્રથમ હરોળમાં સ્થાન ન મળ્યું
ગિરિરાજ સિંહની હિંદુ સ્વાભિમાન યાત્રા દરમિયાન કરાયેલાં મુસ્લિમ વિરોધી નિવેદનો સામે નારાજગી વ્યક્ત કરવા નીતિશ કુમારે ગિરિરાજ સિંહને કોરાણે મૂક્યા હોવાનું કહેવાય છે. નીતિશ કુમારને લાગે છે કે, ભાજપની કેન્દ્રીય નેતાગીરી જાણી જોઈને મુસ્લિમ મતબેંકને પોતાનાથી દૂર કરવા માટે ગિરિરાજ સિંહ સહિતના નેતાઓ પાસે મુસ્લિમ વિરોધી નિવેદનો કરાવી રહી છે.
કિશનગંજમાં ગિરિરાજ સિંહ સામે કેસ પણ નોંધાવ્યો
આ યાત્રા દરમિયાન ગિરિરાજ સિંહે હુંકાર કર્યો હતો કે, કોઈ મુસલમાન તમને એક થપ્પડ મારે તો તેને સો થપ્પડ મારો.ગિરિરાજ સિંહે હિંદુઓને દુશ્મનો સામે હથિયાર ઉઠાવવા માટે પણ હાકલ કરી હતી. ગિરિરાજ સિંહની ભાગલપુરથી નિકળેલી યાત્રામાં થયેલાં ઉશ્કેરણીજનક નિવેદનો બદલ અસદુદ્દીન ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમના નેતાઓએ કિશનગંજમાં ગિરિરાજ સિંહ સામે કેસ પણ નોંધાવ્યો છે.






