શું અધીર રંજને બંગાળના કોંગ્રેસ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું?, જાણો તેમણે શું કહ્યું
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના અધ્યક્ષ પદેથી અધીર રંજન ચૌધરીએ પોતાના પદ પરથી રાજીનામું આપી

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના અધ્યક્ષ પદેથી અધીર રંજન ચૌધરીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધાના અહેવાલ સામે આવ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ બંગાળમાં એક પણ સીટ જીતી શકી નથી. મહત્ત્વની વાત એ છે કે, અધીર રંજન ચૌધરીએ પોતે બહેરામપુર લોકસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.
જ્યારે અધીર રંજન ચૌધરીને બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ એક અફવા છે. હું તેના વિશે વાત કરવા માંગતો નથી. NEETના મુદ્દે અધીરે કહ્યું કે અમે આ મુદ્દે દેશભરમાં આંદોલન કરી રહ્યા છીએ. આ એક કૌભાંડ છે. 24 થી 25 લાખ યુવાનોનું ભવિષ્ય દાવ પર છે.
યુસુફ પઠાણે અધીર રંજનને હરાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બહેરામપુર બેઠક પર યુસુફ પઠાણે 1999થી જીતતા આવતા અધીર રંજન ચૌધરીને 70,000થી વધુ મતે હરાવ્યા હતા. આમ ક્રિકેટ બાદ પ્રથમ વખત રાજકારણમાં પ્રવેશેલા ભૂતપૂર્વ બેટ્સમેન યુસુફ પઠાણે રાજકીય પીચ પર પણ શાનદાર બેટિંગ કરી હતી.






