મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભાજપ પાસે કોઈ વોશિંગ મશીન નથી, AAP સાંસદ સંજય સિંહને જામીન મળ્યા જ ને… : રાજનાથ સિંહની સ્પષ્ટતા

રક્ષા મંત્રી રાજનાથ સિંહે એજન્સીઓનો દુરુપયોગ કરવાના વિપક્ષના આરોપનો જવાબ આપ્યો છે. તેમણે આશ્

ભાજપ પાસે કોઈ વોશિંગ મશીન નથી, AAP સાંસદ સંજય સિંહને જામીન મળ્યા જ ને… : રાજનાથ સિંહની સ્પષ્ટતા

રક્ષા મંત્રી રાજનાથ સિંહે એજન્સીઓનો દુરુપયોગ કરવાના વિપક્ષના આરોપનો જવાબ આપ્યો છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે અદાલતે AAPના બધા જ નેતાઓને રાહત કેમ ના આપી. વિપક્ષ સતત કેન્દ્રની ભાજપ સરકાર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ધરપકડ કરવા એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યો છે.

જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ

એક ઈન્ટરવ્યુમાં રાજનાથ સિંહે વિપક્ષ પર દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, “જો એ સ્વીકારી લેવામાં આવે કે અમારી સરકારના કારણે અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા, પરંતુ તેમને રાહત કેમ નથી મળી રહી? શું અમે કોર્ટ પર પણ નિયંત્રણ મેળવી લીધું છે? આ લોકો શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે?”

રાજનાથ સિંહે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સીબીઆઈ અને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પોતાનું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો વિપક્ષને લાગે છે કે તેમના નેતાઓને પાયાવિહોણા આરોપોમાં જેલમાં મોકલવામાં આવી રહ્યા છે, તો તેમને કોર્ટમાંથી રક્ષણ મળી શકે છે. રાજનાથ સિંહે કહ્યું કે જો AAP નેતા સંજય સિંહને જામીન મળી શકે છે તો અન્ય નેતાઓને કેમ નહીં?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે

રાજનાથે કહ્યું, “ભારતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવો છે, આ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે. જો વિરોધ પક્ષોને લાગે છે કે તેઓને ફસાવી દેવામાં આવ્યા છે, તેમના નેતાઓ પાયાવિહોણા આરોપોમાં જેલમાં છે, તો તેમને કોર્ટમાથી સુરક્ષા મળી શકે છે.”

ઉલ્લેખનીય છે કે, AAP નેતા સંજય સિંહને હાલમાં જ દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, તેમના સહયોગી મનીષ સિસોદિયા ફેબ્રુઆરી 2023 થી સમાન આરોપમાં જેલમાં છે. તેમની ધરપકડ બાદથી અનેક અદાલતોએ તેની જામીન અરજી ફગાવી દીધી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગયા મહિને દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે હાલમાં જ ઈડીની કાર્યવાહીને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કોર્ટના નિર્ણય અને ધરપકડ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે એવું લાગે છે કે વિપક્ષને કોર્ટમાં વિશ્વાસ નથી.

વોશિંગ મશીનના આરોપમાં રાજનાથ સિંહની સ્પષ્ટતા

ભાજપ પાસે વોશિંગ મશીન છે જે અન્ય પક્ષોના નેતાઓને સત્તાધારી પક્ષમાં જોડાયા પછી સાફ કરે છે, કોંગ્રેસ પક્ષના આ આરોપ પર પ્રતિક્રિયા આપતા રાજનાથે કહ્યું કે ભાજપ પાસે કોઈ વોશિંગ મશીન નથી અને સરકાર એજન્સીઓને ચોક્કસ લોકોની ધરપકડ કરવા માટે કહી રહી નથી. એજન્સીઓએ તેમનું કામ કરવાનું છે અને તેઓ આમ કરશે. અમે એજન્સીઓને કોઈ ચોક્કસ વ્યક્તિની ધરપકડ કરવા માટે કહી રહ્યા છીએ? આ પાયાવિહોણા આરોપો છે. વિપક્ષ તેમની ભૂલો અને નબળાઈઓને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

આ સમાચાર શેર કરો