ઉધમપુરમાં સેના સાથે અથડામણમાં એક આતંકી ઢેર, વધુ 2-3 સંતાયાની આશંકા સાથે ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના મજલતા વિસ્તારમાં સુરક્ષા દળો અને જૈશના આતંકવાદીઓ વચ્ચે

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના મજલતા વિસ્તારમાં સુરક્ષા દળો અને જૈશના આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાને 2-3 આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા માટે સઘન શોધખોળ અભિયાન ચલાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિગલા બલોટા વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ અંગે માહિતી મળ્યા બાદ રક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. એન્કાઉન્ટર બાદ આ વિસ્તારમાં સતર્કતા વધુ વધારી દેવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આજે વહેલી સવારથી જ સામસામે ગોળીબાર શરૂ થયો છે. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દેતા સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે.
સેનાએ આ ઓપરેશનની પુષ્ટિ કરી
સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સે તેના સત્તાવાર X હેન્ડલ પર ઓપરેશનની વિગતો શેર કરતા લખ્યું છે કે, "ગુપ્ત માહિતી આધારિત સંયુક્ત ઓપરેશનમાં ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF ના જવાનોએ આજે સાંજે લગભગ 4 વાગ્યે બસંતગઢના સામાન્ય વિસ્તારમાં આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત કર્યો. ઘેરાબંધી અને ગોળીબાર થયો. હાલમાં ઓપરેશન ચાલુ છે.
જૈશના આતંકીઓ હોવાની શક્યતા
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના બે ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. આ આતંકીઓ તે જ જૂથનો ભાગ હોવાનું મનાય છે જે અગાઉ ત્રણની સંખ્યામાં હતા. અહેવાલો મુજબ, ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં આ જૂથનો મુખ્ય આતંકી ઝુબેર અલગ થઈ ગયો હતો અને હવે બાકીના બે આતંકીઓ આ વિસ્તારમાં સક્રિય હોવાની આશંકા છે.
સઘન સર્ચ ઓપરેશન ચાલુ
આતંકીઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી ન જાય તે માટે સુરક્ષા દળોએ અત્યંત સાવચેતી સાથે ઓપરેશન હાથ ધર્યું છે. સમગ્ર મજલતા વિસ્તારની નાકાબંધી કરી દેવામાં આવી છે અને વધારાની ટુકડીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. સેનાના ઉચ્ચ અધિકારીઓ આ ઓપરેશન પર સીધી નજર રાખી રહ્યા છે.








