મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ કાશ્મીરમાં રચાઇ શકે છે નવા સમીકરણ, મહેબુબા મુફ્તીની PDP બની શકે છે કિંગ મેકર

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ સરકાર બનાવવા માટે ગઠબંધ

જમ્મુ કાશ્મીરમાં રચાઇ શકે છે નવા સમીકરણ, મહેબુબા મુફ્તીની PDP બની શકે છે કિંગ મેકર

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ સરકાર બનાવવા માટે ગઠબંધનના પ્રયાસ ચાલુ થઇ ગયા છે. કોંગ્રેસના જમ્મુ કાશ્મીરના પ્રદેશ અધ્યક્ષ તારિક હમીદ કર્રાએ કહ્યું કે, નેશનલ કોન્ફ્રેન્સ-કોંગ્રેસ ગઠબંધનને વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મળશે. જોકે, ભારતીય જનતા પાર્ટીને સત્તાથી બહાર રાખવા માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષ અને વ્યક્તિઓ માટે દરવાજા ખુલ્લા છે.

નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે NC અને કોંગ્રેસ મળીને સરકાર બનાવતા જોવા મળી રહ્યાં છે. જો પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અમારી સાથે જોડાવા માટે તૈયાર છે, આ ઘણી સારી વાત છે. એક્ઝિટ પોલ સામે આવ્યા બાદ PDP નેતા જુહૈબ યૂસુફ મીરે કહ્યું કે ભાજપને સત્તાની બહાર ફેકવા માટે તે NC અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર છે. મહત્ત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું પરિણામ હરિયાણાની સાથે 8 ઓક્ટોબરે જાહેર થશે.

PDP નેતાના આ નિવેદનને લઇને ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે તેમને શુભકામના, તેમનો વિચાર સારો છે અને અમે એક રસ્તા પર છીએ. નફરતને ખતમ કરવાની છે અને જમ્મુ કાશ્મીરને એકજૂટ રાખવાનું છે.' મહત્ત્વપૂર્ણ છે કે એક્ઝિટ પોલ અનુસાર નેશનલ કોન્ફ્રેન્સ જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. ભાજપને પણ 2014 વિધાનસભા ચૂંટણીમાં મળેલી 25 બેઠકની તુલનામાં આ વખતે થોડી વધારે બેઠક મળવાની આશા છે. PDP આ વખતે 10થી પણ ઓછી બેઠક જીતવાનું અનુમાન છે. 

ફારૂક અબ્દુલ્લાનો BJP સાથે ગઠબંધનનો ઇનકાર

નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા કહી ચુક્યા છે કે તેમની પાર્ટી સરકાર બનાવવા માટે ભાજપ સાથે કોઇ ગઠબંધન નહીં કરે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, 'અમે ભાજપ સાથે નહીં જઇએ. ચૂંટણીમાં જે મત અમને મળ્યા છે તે ભાજપ વિરૂદ્ધ છે. મુસ્લિમોને તે મુશ્કેલીમાં મુકે છે, તેમની દુકાનો, મકાન, મસ્જિદ અને સ્કૂલ પર બુલડોઝર ચલાવે છે. ભાજપે લોકસભા ચૂંટણી દરમિયાન એક પણ મુસ્લિમને ટિકિટ નથી આપી અને કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ એક પણ મુસ્લિમ મંત્રી નથી. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, 'મારૂં માનવું છે કે અમારા લોકો ભાજપ માટે મતદાન નહીં કરે. જો તે વિચારે છે કે સરકાર બનાવી લઇશું તો તે વિચારોની દુનિયામાં છે.'

આ સમાચાર શેર કરો