મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વિધાનસભામાં બેસીને 'RUMMY' રમતા મંત્રીને મળ્યું આ અનોખું 'ઈનામ', જાણો

મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર દરમિયાન RUMMY રમવાના આરોપોનો સામનો કરી રહેલા મંત્રી માણિકરાવ કોકાટેની મુશ્

વિધાનસભામાં બેસીને 'RUMMY' રમતા મંત્રીને મળ્યું આ અનોખું 'ઈનામ', જાણો

મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર દરમિયાન RUMMY રમવાના આરોપોનો સામનો કરી રહેલા મંત્રી માણિકરાવ કોકાટેની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. દેવેન્દ્ર ફડણવીસ સરકારે તેમની પાસેથી કૃષિ વિભાગ પાછો ખેંચી લીધો છે.
General Administration Department(GAD)ના જાહેરનામા અનુસાર, વર્તમાન રમતગમત મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અજિત પવાર જૂથના નેતા દત્તાત્રેય ભરણેને તેમના સ્થાને નવા કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે માણિકરાવ કોકાટેને રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, તે લઘુમતી વિકાસ અને ઓકાફ વિભાગોનો પણ હવાલો સંભાળશે.

જાણો RUMMY વિવાદ કેવી રીતે થયો શરૂ

અહેવાલો અનુસાર, 27મી જુલાઈએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP (શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય રોહિત પવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કર્યો, જેમાં માણિકરાવ કોકાટે વિધાન પરિષદમાં મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. બીજા દિવસે ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પણ બે વીડિયો પોસ્ટ કર્યા અને દાવો કર્યો કે માણિકરાવ કોકાટે મોબાઈલમાં 'RUMMY' ગેમ રમી રહ્યા છે. ત્યારબાદ વિપક્ષે મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. જો કે, માણિકરાવ કોકાટેએ આ આરોપોને નકારી કાઢતા કહ્યું કે, 'મને RUMMY રમતા આવડતું જ નથી. આ મને બદનામ કરવાનું કાવતરું છે.'

જાણો NCPએ શું કહ્યું

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વીડિયોને લઈ રોહિત પવારે ભાજપ અને NCP (અજીત જૂથ) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું કે, 'રાજ્યમાં દરરોજ આઠ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, કૃષિ સંબંધિત ઘણાં ગંભીર મુદ્દાઓ બાકી છે, પરંતુ કૃષિ મંત્રી પાસે કોઈ કામ નથી, તેથી તેઓ RUMMY રમી રહ્યા છે. NCP શાસક જૂથ ભાજપને પૂછ્યા વિના કોઈ નિર્ણય લઈ શકતું નથી.' આ સાથે તેમણે કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેના રાજીનામાની પમ માંગણી કરી હતી. 

અન્ય નેતાઓએ પણ માંગ્યું માણિકરાવ કોકાટેનું રાજીનામું 

બીજી તરફ સુપ્રિયા સુલે સહિત અન્ય નેતાઓએ પણ માણિકરાવ કોકાટેની ટીકા કરી હતી અને રાજીનામાની માંગણી કરી હતી. સુપ્રિયા સુલે કહ્યું હતું કે, 'Rummy રમવાનો વીડિયો અને અન્ય ઘણી ઘટનાઓએ રાષ્ટ્રીય સ્તરે મહારાષ્ટ્રને બદનામ કર્યું છે. સંસદમાં દરેક વ્યક્તિ આ કાર્ડ પ્લેઇંગ કેસ વિશે પૂછી રહ્યો હતો. કોકાટેએ નૈતિક ધોરણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈતું હતું, પરંતુ આ લોકોને રાજીનામું આપવાનું કહેવું પડશે. જ્યાં સુધી દિલ્હીથી હસ્તક્ષેપ ન થાય ત્યાં સુધી કોઈ રાજીનામું આપતું નથી.'

અગાઉ પણ માણિકરાવ કોકાટે આવ્યા હતા વિવાદોના ઘેરામાં

ઉલ્લેખનીય છે કે, માણિકરાવ કોકાટે ભૂતકાળમાં પણ વિવાદોમાં રહ્યા છે. હાલમાં મુલતવી રખાયેલો વર્ષ 1995નો હાઉસિંગ છેતરપિંડીનો કેસ અને એક નિવેદન જેમાં તેમણે ખેડૂતોની તુલના ભિખારીઓ સાથે કરી હતી. આ ઘટનાઓને કારણે, સરકારની પણ સતત ટીકા થઈ રહી હતી.

આ સમાચાર શેર કરો