Video: મણિપુરમાં ત્રણ વર્ષથી વિસ્થાપિત જીવન જીવતા લોકોએ ઘરે સુરક્ષિત વાપસી અને પુનર્વસનની માંગ સાથે ઇમ્ફાલમાં વિશાળ રેલી યોજાઈ

મણિપુરમાં વંશીય હિંસા શરૂ થયાને ત્રણ વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ હજુપણ હજારો પરિવારો રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે. ત્યારે મણિપુરમાં રાહત શિબિરોમાં રહેતા સેંકડો વિસ્થાપિત લોકોએ ઇમ્ફાલમાં એક વિશાળ રેલી યોજી હતી. પોતાના ઘરે સુરક્ષિત પરત ફરવાની અને યોગ્ય પુનર્વસનની માંગ સાથે બાળકો અને વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા.
ઈમ્ફાલમાં આયોજિત આ વિશાળ રેલીનું મુખ્ય વિષય અમે અમારા ઘરે પાછા ફરવા માંગીએ છીએ ની થીમ પર રાખવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓ ઇમ્ફાલના કેશમપત જંકશન પર એકઠા થયા હતા. ત્યારબાદ તેમણે કેશમપત, વાહેંગબામ લેઈકાઈ, નાગામાપાલ અને ખોયાથોંગ વિસ્તારોમાંથી પસાર થઈને કૂચ કરી હતી. આ રેલી ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના થાંગમેઈબંદ એથ્લેટિક યુનિયન ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં સહભાગીઓએ પોતાની માંગણીઓ અને આગળની રણનીતિ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. રાહત શિબિરો અમારું ઘર નથી તેવા સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શનકારીઓએ સરકારોને વિસ્થાપિત પરિવારોની સુરક્ષિત વાપસી અને પુનર્વસન માટે નક્કર પગલાં લેવા અનુરોધ કર્યો હતો. રેલીમાં સામેલ એક પ્રદર્શનકારીએ જણાવ્યું હતું કે હિંસાને કારણે ત્રણ વર્ષથી વધુ સમયથી વિસ્થાપિત થયેલા પરિવારોને ફરીથી વસાવવા માટે સરકારો દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાયા હોવાના વિરોધમાં બાળકો સહિત સૌ આ રેલીમાં એકઠા થયા છે.
એપેક્સ કમિટીના જણાવ્યા અનુસાર, મોરેહ, ચુરાચંદપુર, કાંગપોકપી, ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર અને કાકચિંગ જિલ્લાના વિસ્થાપિત લોકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જેમાં બાળકો અને વરિષ્ઠ નાગરિકો પણ મોટી સંખ્યામાં સામેલ થયા હતા. વિસ્થાપિત સમુદાયો અને અસરગ્રસ્ત ગામોનું પ્રતિનિધિત્વ કરતા અનેક સંગઠનો જોડાયેલા છે. આ ઉપરાંત, ઈકોઉ, સાદુ, યેંગખુમાન, ડોલાઈથાબી, લેઈતાનપોકપી અને માઈરેનપાત ગામોનું પ્રતિનિધિત્વ કરતી એપેક્સ કમિટી ઓફ વિક્ટિમ વિલેજીસ પણ તેમાં સામેલ છે. મણિપુરમાં ૩ મે, ૨૦૨૩ના રોજ વંશીય હિંસા ફાટી નીકળી હતી, ત્યારથી રાજ્યમાં લાંબા સમયથી અશાંતિ પ્રવર્તી રહી છે. આ હિંસામાં ૨૬૦થી વધુ લોકોના જીવ ગયા છે અને લગભગ 60 હજાર લોકો વિસ્થાપિત થયા છે. ત્યારથી હજારો પરિવારો રાજ્યના રાહત શિબિરોમાં રહે છે, જ્યારે અન્ય લોકોએ મણિપુરની બહાર આશરો લીધો છે.
ત્રણ વર્ષથી વધુ સમયથી પોતાના જ ઘરથી દૂર રાહત શિબિરોમાં જીવન વિતાવી રહેલા મણિપુરના વિસ્થાપિત પરિવારો હવે માત્ર આશ્વાસન નહીં, પરંતુ નક્કર કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે. ઇમ્ફાલના રસ્તાઓ પર ઉમટેલી આ ભીડે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ જલ્દીથી પોતાના મૂળ નિવાસસ્થાને સુરક્ષિત પરત ફરવા અને સામાન્ય જીવન ફરી શરૂ કરવા માંગે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ વિસ્થાપિતોની સુરક્ષિત વાપસી અને પુનર્વસન માટે ક્યારે અને કેવા પગલાં ભરે છે.












