પરિસીમન બિલ મુદ્દે શરદ પવાર પર ઉદ્ધવ ઠાકરેના પ્રહાર: કહ્યું- ‘બે હોડીમાં એકસાથે સવારી ન થઈ શકે’, BJPને ફાયદો કરાવવાનો આરોપ

પરિસીમન (Delimitation) વિધેયકને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય નિવેદનબાજી તેજ બની છે. શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રની ભાજપ સરકારની સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર જૂથ) પર પણ નિશાન સાધ્યું છે. શરદ પવાર દ્વારા પરિસીમન વિધેયકને સમર્થન આપવાના વલણ સામે નારાજગી વ્યક્ત કરતાં ઉદ્ધવે કહ્યું કે, ‘તમે બે હોડીમાં એકસાથે સવારી ન કરી શકો.’ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું કે તેમને શરદ પવાર આ મુદ્દે શું વિચારે છે તેની સરખામણીએ પરિસીમનથી ભારત અને મહારાષ્ટ્રના હિતો પર શું અસર થશે તેની વધુ ચિંતા છે. તેમણે આરોપ લગાવ્યો કે પ્રસ્તાવિત પરિસીમન દ્વારા લોકસભાની બેઠકોની વહેંચણી એવી રીતે કરવામાં આવી શકે છે, જેનાથી ભાજપને રાજકીય ફાયદો થાય. આની અસર માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ દક્ષિણ ભારતનાં રાજ્યો પર પણ પડી શકે છે.
શરદ પવાર અને સ્ટાલિનને પુનર્વિચારની અપીલ
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે આ મુદ્દે તેમની શરદ પવાર સાથે વ્યક્તિગત રીતે વાત થઈ નથી. જોકે, પરિસીમનના સંભવિત પરિણામો તેઓ સમજી શકે છે તો અન્ય નેતાઓએ પણ તેના ગંભીર પરિણામો સમજવા જોઈએ. તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને શરદ પવારને વિધેયકના પરિણામો અંગે ગંભીરતાથી વિચારવા અપીલ કરી હતી. ઉદ્ધવના મતે, રાજકીય પક્ષોએ આ મુદ્દે પોતાના પક્ષીય હિતોથી ઉપર ઊઠીને નિર્ણય લેવો જોઈએ.
મહિલા અનામતના નામે ગેરમાર્ગે દોરવાનો આરોપ
ઉદ્ધવ ઠાકરેએ મહિલા અનામતના મુદ્દે પણ ભાજપને ઘેર્યું હતું. તેમણે કહ્યું કે મહિલાઓ માટે 33 ટકા અનામતનું વિધેયક અગાઉ જ પસાર થઈ ચૂક્યું છે, પરંતુ હવે તેના નામે મહિલાઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. તેમણે વિપક્ષી સાંસદોને સંસદમાં પરિસીમન વિધેયકની વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી. ઉદ્ધવે સ્પષ્ટ કર્યું કે મહિલા અનામતનું સમર્થન કરવાનો અર્થ એવો નથી કે પરિસીમનના નામે રાજ્યોના રાજકીય હિતોને નુકસાન પહોંચાડતા પ્રસ્તાવને પણ મંજૂરી આપી દેવામાં આવે.
મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચે બેઠકોનું અંતર વધવાની શક્યતા
પરિસીમનના સંભવિત પ્રભાવને સમજાવતા ઉદ્ધવ ઠાકરેએ લોકસભાની વર્તમાન બેઠકોના આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે હાલમાં મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 80 બેઠકો છે. તેમના જણાવ્યા મુજબ, જો લોકસભાની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવામાં આવે તો મહારાષ્ટ્રની બેઠકો વધીને 72 થશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 48 બેઠકોનો વધારો થશે. આ રીતે બંને રાજ્યો વચ્ચે બેઠકોનું અંતર હાલના 32થી વધીને 48 થઈ શકે છે.
દક્ષિણનાં રાજ્યોના રાજકીય પ્રતિનિધિત્વ પર અસરની ચિંતા
ઉદ્ધવે તમિલનાડુનું ઉદાહરણ આપતાં કહ્યું કે હાલમાં ત્યાં લોકસભાની 39 બેઠકો છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 80 બેઠકો છે. બંને રાજ્યો વચ્ચે 41 બેઠકોનું અંતર છે. તેમના દાવા મુજબ, પ્રસ્તાવિત ફેરફાર બાદ આ અંતર વધીને આશરે 61 બેઠકો થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેના મતે, તેનાથી ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતનાં રાજ્યો વચ્ચે રાજકીય પ્રતિનિધિત્વની ખાઈ વધુ પહોળી થઈ શકે છે. તેમણે આ મુદ્દાને માત્ર કોઈ એક રાજ્યનો પ્રશ્ન નહીં, પરંતુ દેશના સંઘીય માળખા (Federal Structure) અને તમામ રાજ્યોને સમાન મહત્ત્વ આપવાની બાબત ગણાવી હતી.











