દિવાળીમાં ફ્લાઇટ ટિકિટના ભાવમાં 700%નો વધારો! સુપ્રીમ કોર્ટની ટકોર- 'વિમાનમાં મુસાફરી ન કરો', હવે સરકાર લગાવશે લગામ?

દિવાળીના તહેવાર દરમિયાન ખાનગી એરલાઇન્સ દ્વારા વિમાન ભાડામાં મનસ્વી વધારો કરવામાં આવતો હોવાની ફરિયાદ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં સામાન્ય ભાડાની સરખામણીએ ટિકિટના ભાવમાં 700 ટકા સુધીનો વધારો થયો હોવાનો દાવો કરીને ભાડા પર મર્યાદા નક્કી કરવાની માગ કરાઈ હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની માગ ફગાવી દીધી હતી. જસ્ટિસ વિક્રમ નાથે અરજી પર સુનાવણીની માગ અંગે ટિપ્પણી કરતાં માત્ર ચાર શબ્દોમાં કહ્યું, 'વિમાનમાં મુસાફરી ન કરો.' ત્યારબાદ તેમણે બેન્ચ સમક્ષ આગામી કેસ રજૂ કરવા જણાવ્યું હતું.
એરલાઇન્સના ભાડા પર નિયંત્રણની માગ
આ અરજી જાહેર હિતની અરજી (PIL) તરીકે દાખલ કરવામાં આવી છે. તેમાં તહેવારો, રજાઓ અને કટોકટીના સમયમાં ખાનગી એરલાઇન્સ દ્વારા મનસ્વી અને અતિશય ભાડું વસૂલવામાં આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અરજદારે દલીલ કરી હતી કે હવાઈ મુસાફરી આવશ્યક સેવા છે અને ભાડામાં અચાનક થતો મોટો વધારો બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. આ કલમ નાગરિકોને સમાનતાનો અધિકાર આપે છે.
કેન્દ્ર સરકારે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ભારતીય વાયુયાન અધિનિયમ, 2024 હેઠળ હવાઈ ભાડાનું નિયમન કરવા માટેના નવા નિયમોને વહીવટી મંજૂરી મળી ગઈ છે. આ નિયમો બે અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા હોવાનું પણ જણાવાયું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 16 નવેમ્બરે યોજાનારી આગામી સુનાવણી પહેલાં નવા નિયમો કોર્ટ સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. જોકે, અરજદારે વહેલી સુનાવણીની માગ કરી હતી, જેને જસ્ટિસ વિક્રમ નાથે ફગાવી દીધી હતી.
ઇંધણના ભાવ વધતાં હવાઈ ભાડાં મોંઘાં થવાની શક્યતા
વિશ્વભરમાં ફેબ્રુઆરીથી હવાઈ ભાડામાં વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હવાઈ હુમલા કર્યા બાદ ઈરાને હોર્મુઝની ખાડીમાં જહાજોને નિશાન બનાવ્યાં હતાં. વૈશ્વિક ઊર્જા પુરવઠાના લગભગ પાંચમા ભાગ માટે મહત્ત્વપૂર્ણ આ દરિયાઈ માર્ગ પરની નાકાબંધીને કારણે ક્રૂડ ઓઇલના પુરવઠા પર અસર પડી હતી. પરિણામે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી અને ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર પહોંચી ગયા હતા. અમેરિકા ફરી ઈરાન પર હુમલા કરવાની શક્યતા વ્યક્ત કરી રહ્યું હોવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ વધારો થવાની આશંકા છે.
ઇન્ડિગોના CEOનું નિવેદન
ઇન્ડિગોના CEO વિલી વોલ્શે પણ જણાવ્યું છે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)માં આગઝરતી તેજીઅને વિક્રમી ઊંચા ભાવને કારણે હવાઈ ભાડાંમાં વધુ વધારો થઈ શકે છે. તેમના જણાવ્યા અનુસાર, કંપની શક્ય તેટલો ખર્ચ પોતે ભોગવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ વધતા ઓપરેટિંગ ખર્ચને કારણે એરલાઇન્સની નાણાકીય સ્થિતિ પર દબાણ વધી રહ્યું છે. એરલાઇન્સના કુલ ઓપરેટિંગ ખર્ચમાં ઇંધણનો હિસ્સો લગભગ 32 ટકા હોય છે. આ ઉપરાંત એરપોર્ટના ઊંચા ચાર્જ અને ટેક્સને કારણે પણ ખર્ચ વધી રહ્યો છે. વોલ્શે સરકારને ટેક્સ અને એરપોર્ટ ચાર્જ ઘટાડવાની માગ કરી હતી. દરમિયાન, કેન્દ્ર સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો હેઠળ અસાધારણ પરિસ્થિતિઓમાં અને જાહેર હિતમાં સરકારને એરલાઇન્સની ટિકિટના ભાવ નિયંત્રિત કરવા માટે હસ્તક્ષેપ કરવાની સત્તા આપવામાં આવી છે.














