Video: આંધ્ર પ્રદેશના તટે 'મુરાસુ' વાવાઝોડાનું તાંડવ: 120 કિમીની ઝડપે ફૂંકાયો પવન

બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી તોફાન 'મુરાસુ' આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને તોફાની વાદળોનો વિશાળ ભાગ દરિયાકાંઠાના વિસ્તારો પર છવાઈ ગયો છે. આ કુદરતી આફતના પગલે આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં મુશળધાર વરસાદ શરૂ થયો છે, જ્યારે વાહનવ્યવહાર, ટ્રેનો અને ફ્લાઇટ્સના સંચાલનને ભારે ફટકો પડ્યો છે.
100થી 120 કિમીની ઝડપે ફૂંકાયો પવન
હવામાન વિભાગે સોશિયલ મીડિયા પર સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે આ ભીષણ ચક્રવાતી તોફાન ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું હતું. મંગળવારે વહેલી સવારે 3:30 વાગ્યાથી 5:30 વાગ્યાની વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે નેલ્લોર અને નરસપુર વચ્ચે, ઓંગોલ નજીકથી વાવાઝોડું પસાર થયું હતું. લેન્ડફોલ દરમિયાન પવનની ઝડપ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હતી, જે ઝાપટાં સાથે 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી હતી. સાઇક્લોનના આગળના ભાગમાં રહેલા 'વૉલ ક્લાઉડ'નો મોટો ભાગ જમીન પર દસ્તક આપી ચૂક્યો છે.
તોફાનની તીવ્રતા એટલી વધારે હતી કે સોમવારે સવારે વિશાખાપટ્ટનમના ઋષિકોંડા દરિયાકાંઠે એક બોટ મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. આ સિવાય નેલ્લોરમાં પણ એક બોટ ફસાઈ હોવાના અહેવાલ મળ્યા હતા, જોકે રાહતની વાત એ છે કે તેમાં સવાર તમામ લોકોને સત્તાવાળાઓ દ્વારા સુરક્ષિત બચાવી લેવાયા છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. તટીય વિસ્તારોમાં ભારે પવન સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને વિસ્તારો જળબંબાકાર બન્યા છે.





