ગરમીનો પ્રકોપ/ બિહારમાં 48થી વધુ વિદ્યાર્થીનીઓ બેહોશ, તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાઈ
દેશભરમાં ઉનાળો તેના રૂપરંગ બતાડી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ ન

દેશભરમાં ઉનાળો તેના રૂપરંગ બતાડી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે. છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી નાંખતા દિલ્હીમાં મહત્તમ તાપમાન 50 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. આ ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર પણ આકરી ગરમી છે. ઘણા રાજ્યોની શાળાઓમાં ઉનાળાની રજાઓ છે પરંતુ બિહારમાં હજુ અભ્યાસ ચાલુ છે. બુધવારે બિહારના બેગુસરાય અને શેખપુરાની શાળાઓમાં સખત ગરમી વચ્ચે અભ્યાસ કરી રહેલી 48થી વધુ વિદ્યાર્થિનીઓ બેહોશ થઈને ક્લાસરૂમમાં પડી ગઈ હતી.
બેગુસરાયમાં મટિહાની બ્લોકની મટિહાની મધ્ય વિદ્યાલયમાં કાળઝાળ ગરમીને કારણે લગભગ 18 વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ હતી. જેમને સારવાર માટે મટીહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તમામ વિદ્યાર્થીનીઓને સારવાર આપવામાં આવી રહી છે. બેગુસરાયમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર છે, આકરી ગરમી છતાં તમામ શાળાઓ ખુલ્લી છે.
શેખપુરાની એક શાળામાં કાળઝાળ ગરમીના કારણે વિદ્યાર્થીનીઓની તબિયત એટલી લથડી કે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી. કાળઝાળ ગરમીને કારણે, શેખપુરા જિલ્લાના અરિયારી બ્લોક હેઠળ મનકૌલ અપગ્રેડેડ મિડલ સ્કૂલ સહિત ઘણી શાળાઓમાં 24થી વધુ વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ. તીવ્ર ગરમીના કારણે કેટલીક વિદ્યાર્થિનીઓ પ્રાર્થના દરમિયાન અને કેટલીક વર્ગખંડમાં બેહોશ થઈ ગઈ હતી.
મિડલ સ્કૂલ મટીહાનીમાં અચાનક 10 વાગ્યાની આસપાસ સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેભાન થઈ જવા લાગી હતી. આ પછી, શાળાના આચાર્ય ચંદ્રકાંત સિંહ દ્વારા સૌપ્રથમ ઓઆરએસ પિવડાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એ પછી પણ વિદ્યાર્થીનીઓ બેહોશ થવાની પ્રક્રિયા ચાલુ રહેતાં તમામને સારવાર માટે મટિહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
હાલ 14 વિદ્યાર્થીનીઓ મટિહાની રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શાળાના પ્રિન્સિપાલ ચંદ્રકાંત સિંહે જણાવ્યું કે, ખૂબ જ ગરમી છે, શાળામાં પંખા છે અને વીજળી તેમજ જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં ગરમીના કારણે વિદ્યાર્થીનીઓ બેહોશ થવા લાગી છે. શાળામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ તેમની હાલત વધુ બગડતાં તમામ છોકરીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
બાળકોના બીમાર હોવાની જાણ થતાં પરિવારના સભ્યો હોસ્પિટલ અને શાળાએ પહોંચવા લાગ્યા હતા. બાળકીઓની સારવાર કરી રહેલા હોસ્પિટલના તબીબ રાહુલ કુમારે જણાવ્યું કે, યુવતીઓ ગરમીને કારણે બેભાન થઈ ગઈ હતી. હાલમાં બાળકોને ગ્લુકોઝ અને ઓઆરએસ સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે અને તમામની સારવાર કરવામાં આવી રહી છે.







