હરિયાણામાં ચૂંટણીની જાહેરાત સાથે જ મોટી ઉથલપાથલ, 2 દિવસમાં JJPના 4 ધારાસભ્યોએ પાર્ટી છોડી
હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાંજ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. રાજકીય નેતાઓ સીટ નક્કી કરવા પાર્ટી

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાંજ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. રાજકીય નેતાઓ સીટ નક્કી કરવા પાર્ટી બદલવાની મોસમ ચાલુ થઈ જાય છે. ચૂંટણી પંચે ગઈકાલે હરિયાણાની 90 બેઠકો પર એક જ તબક્કામાં 1 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત કરી છે. આ સાથે 4 ઓક્ટોબરે પરિણામ આવશે. ચૂંટણીની જાહેરાત થતાં જ જનનાયક જનતા પાર્ટીમાં છેલ્લા બે દિવસમાં 4 ધારાસભ્યોએ પાર્ટી છોડી દેતાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 2 દિવસમાં JJPના ઈશ્વર સિંહ, દેવેન્દ્ર બબલી, અનુપ ધનક અને રામ કરણ કલા એમ 4 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
જણાવી દઈએ કે, હરિયાણાના ટોહાનાના જેજેપી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દેવેન્દ્ર બબલીએ આજે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પાર્ટી અધ્યક્ષે એક પત્ર મોકલી દીધો છે. એ પહેલા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અનૂપ ધાનકે પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે રામકરણ કલાએ પણ પાર્ટી છોડી દીધી છે.
2019માં જેજેપીની ટિકિટ પર કૈથલની ગુહલા વિધાનસભા બેઠક જીતનારા ઈશ્વર સિંહે પણ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું છે. ઈશ્વર સિંહે જેજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજય ચૌટાલાને પોતાનું રાજીનામું સોંપ્યું છે.
હરિયાણામાં હાલ ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 36.7 ટકા વોટ શેર સાથે 40 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. કોંગ્રેસને 28.2 ટકા વોટ શેર મેળવીને 31 સીટો સાથે બીજા ક્રમે હતી. દુષ્યંત ચૌટાલાની નવી રચાયેલી જનનાયક જનતા પાર્ટી 14.9 ટકા વોટ શેર સાથે 10 બેઠકો જીતવામાં સફળ રહી હતી. 7 અપક્ષો પણ ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચવામાં સફળ રહ્યા હતા. જો કે બહુમત માટે જરૂરી 46 સભ્યોના જાદુઈ આંકડા સુધી કોઈપણ પક્ષ પહોંચી શક્યો નથી.
ચૂંટણી પરિણામો બાદ ભાજપે JJP, હરિયાણા લોકહિત પાર્ટી અને અપક્ષોના સમર્થનથી સરકાર બનાવી. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા ભાજપે જેજેપી સાથે ગઠબંધન તોડી નાખ્યું અને મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સિંહ સૈનીને સીએમ બનાવ્યા.








