280ની સ્પીડે બુલેટ ટ્રેન દોડશે, અંદરથી દેખાશે વિમાન જેવી! જુઓ લક્ઝરી ઇન્ટિરિયરની પહેલી ઝલક

ભારતની પહેલી સ્વદેશી ડિઝાઇનવાળી બુલેટ ટ્રેનનું નિર્માણ બેંગલુરુમાં BEMLની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં ચાલી રહ્યું છે. ટ્રેનની મજબૂતી અને ઊંચી ઝડપે કામગીરી કરવાની ક્ષમતા ચકાસવા માટે સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં BEMLની મુલાકાત લઈને ટ્રેનની કામગીરીની ઝલક જોઈ હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રેનની તસવીરો શેર કરીને લખ્યું હતું, 'ધ મેકિંગ ઑફ ભારત્સ ફર્સ્ટ બુલેટ ટ્રેન!'
https://x.com/AshwiniVaishnaw/status/2116878283874918631
આ બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે બનાવવામાં આવી રહી છે. ભારતીય એન્જિનિયરિંગ અને આધુનિક ટેક્નોલોજીથી તૈયાર થઈ રહેલી આ ટ્રેનમાં ઝડપની સાથે મુસાફરોની સુરક્ષા, આરામ અને સુવિધાઓ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.
280 કિમી પ્રતિ કલાકની ટેસ્ટ સ્પીડ, 557 મુસાફરોની ક્ષમતા
ટ્રેનની મુખ્ય વિશેષતાઓ
મહત્તમ ટેસ્ટ સ્પીડ:
280 કિમી/કલાક
નક્કી કરેલી ઓપરેશનલ સ્પીડ 249 કિમી/કલાક
ટ્રેનની લંબાઈ અને કોચ:
202 મીટર
કુલ 8 કોચ: 4 મોટર કાર અને 4 ટ્રેલર કાર
મુસાફરોની ક્ષમતા:
557 મુસાફરો
દિવ્યાંગ અને ઓછી ગતિશીલતા ધરાવતા મુસાફરો માટે બે ખાસ જગ્યાઓ
ટ્રેનમાં સાત સ્ટાન્ડર્ડ ક્લાસ કોચમાં 3×2 બેઠક વ્યવસ્થા અને એક એક્ઝિક્યુટિવ ક્લાસ કોચમાં 2×2 બેઠક વ્યવસ્થા હશે. ટ્રેનના બંને છેડે ડ્રાઇવર કેબિન રાખવામાં આવશે. ઓનબોર્ડ ઇન્ટેલિજન્ટ કન્ટ્રોલ સિસ્ટમ ડ્રાઇવરને સમયસર નિર્ણય લેવામાં અને ઓપરેશન કન્ટ્રોલ સેન્ટર સાથે સંકલન કરવામાં મદદ કરશે. આઠ કોચની ટ્રેનને ભવિષ્યમાં બીજી આવી ટ્રેન સાથે જોડીને 16 કોચની ટ્રેન પણ બનાવી શકાશે. તેનાથી એકસાથે વધુ મુસાફરોને લઈ જવાની ક્ષમતા વધશે.
વાઇ-ફાઇ, ચાર્જિંગ પોઇન્ટ અને આધુનિક ટોઇલેટ
ટ્રેનના ઇન્ટિરિયર ભારતીય મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. બેઠકોમાં પગ ફેલાવવા પૂરતી જગ્યા, મોટી બારીઓ, LED લાઇટિંગ અને ઉપર સામાન રાખવા માટે રેક હશે. મુસાફરો મોબાઇલ અને લેપટોપ ચાર્જ કરી શકે તે માટે પાવર આઉટલેટ પણ આપવામાં આવશે. મોટા સામાન માટે અલગ સ્ટેન્ડ હશે. ટ્રેનમાં આધુનિક બાયોડાઇજેસ્ટર ટોઇલેટ હશે, જે કચરાના વ્યવસ્થાપનમાં મદદ કરશે. કોચને સીલબંધ, એક જ ભાગમાં બનેલા ગેંગવે દ્વારા જોડવામાં આવશે, જેથી મુસાફરો એક કોચમાંથી બીજા કોચમાં સરળતાથી જઈ શકશે. મુસાફરોને મુસાફરી દરમિયાન જરૂરી માહિતી આપવા માટે ઇન્ફોર્મેશન સિસ્ટમ હશે. કોચમાં લગાવેલી LCD સ્ક્રીન પર અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં માહિતી દર્શાવવામાં આવશે. ઓડિયો અનાઉન્સમેન્ટ ઉપરાંત ઇમરજન્સી કમ્યુનિકેશન યુનિટ પણ હશે, જેના દ્વારા મુસાફરો જરૂર પડ્યે ટ્રેનના સ્ટાફ સાથે વાત કરી શકશે. વાઇ-ફાઇ આધારિત ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ દ્વારા મુસાફરો મુસાફરી દરમિયાન અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવેલી મનોરંજનની સામગ્રી પણ જોઈ શકશે.
દિવ્યાંગ મુસાફરો માટે ખાસ વ્યવસ્થા
ટ્રેનમાં દિવ્યાંગ અને ઓછી ગતિશીલતા ધરાવતા મુસાફરો માટે પણ સુવિધાઓ રાખવામાં આવી છે. ટ્રેનના ફ્લોરની ઊંચાઈ પ્લેટફોર્મની ઊંચાઈ જેટલી રાખવામાં આવશે, જેથી ચઢવા-ઊતરવામાં સરળતા રહે. દરવાજામાં લગાવવામાં આવેલા રિટ્રેક્ટેબલ સ્ટેપ્સ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદ કરશે. વ્હીલચેર માટે અનુકૂળ દરવાજા, ખાસ બેઠકો, સુલભ ટોઇલેટ અને બ્રેઇલ લિપિવાળાં ચિહ્નો પણ હશે. દરેક કોચમાં તાપમાન અને ભેજને અનુકૂળ રાખવા માટે બે હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ (HVAC) યુનિટ હશે.
ઊંચી ઝડપે અવાજ અને હવાના દબાણને નિયંત્રિત કરવાની ટેક્નોલોજી
ઊંચી ઝડપે દોડતી ટ્રેનમાં હવાના અવરોધ, અવાજ અને ટનલમાંથી પસાર થતી વખતે હવાના દબાણમાં થતા ફેરફારને નિયંત્રિત કરવો જરૂરી છે. આ માટે ટ્રેનના આગળના ભાગ અને બોડીની ડિઝાઇન કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ (CFD) સિમ્યુલેશનની મદદથી તૈયાર કરવામાં આવી છે. આ ટેક્નોલોજીથી ટ્રેનની આસપાસ હવા કેવી રીતે વહે છે તેનો અભ્યાસ કરીને હવાના અવરોધ અને ટર્બ્યુલન્સ ઘટાડવામાં મદદ મળે છે. ટ્રેનની એરોડાયનેમિક ડિઝાઇનથી ટનલમાં દબાણનાં મોજાં અને સોનિક બૂમની અસર ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. છતનાં પેનલ, એર ડિફ્લેક્ટર અને HVAC યુનિટને પણ હવાના પ્રવાહને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવ્યાં છે. અવાજ ઘટાડવા માટે ટ્રેનની બોડી અને ફ્લોરમાં સાઉન્ડ ઇન્સ્યુલેશન, ખાસ કોટિંગ અને પૈડાં તથા અન્ડરકેરેજની આસપાસ કવરનો ઉપયોગ કરવામાં આવશે.
રિજનરેટિવ બ્રેકિંગથી ઊર્જાની બચત
આ બુલેટ ટ્રેન 25 kV, 50 Hz સિંગલ-ફેઝ AC ટ્રેક્શન સિસ્ટમ પર ચાલશે. તેને ઓવરહેડ કેટેનરી સિસ્ટમ દ્વારા વીજળી પૂરી પાડવામાં આવશે. ટ્રેનમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ પણ હશે. આ ટેક્નોલોજી ટ્રેનની ઝડપ ઘટાડતી વખતે ઉત્પન્ન થતી ઊર્જાનો અમુક ભાગ પાછો મેળવીને વીજળીની વ્યવસ્થામાં મોકલે છે. તેનાથી ઊર્જાની કાર્યક્ષમતા વધારવામાં મદદ મળે છે. બેંગલુરુના BEML પ્લાન્ટમાં નિર્માણ અને સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ ચાલુ છે ત્યારે ભારતની સ્વદેશી હાઈ-સ્પીડ રેલ ટેક્નોલોજી વિકસાવવાની દિશામાં આ ટ્રેન મહત્ત્વપૂર્ણ પગલું છે. આ ટ્રેન મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે બનાવવામાં આવી રહી છે.












