મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પરાળી સળગાવવા મામલે હરિયાણામાં 14 ખેડૂતોની ધરપકડ, આ મામલે થઈ રહી છે કાર્યવાહી

હરિયાણાના કૈથલ જિલ્લામાં 14 ખેડૂતોની ડાંગરની પરાળી સળગાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ સો

પરાળી સળગાવવા મામલે હરિયાણામાં 14 ખેડૂતોની ધરપકડ, આ મામલે થઈ રહી છે કાર્યવાહી

હરિયાણાના કૈથલ જિલ્લામાં 14 ખેડૂતોની ડાંગરની પરાળી સળગાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં પ્રદૂષણમાં વધારો થયો છે. દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પરસ બાળવા પર પ્રતિબંધ હોવા છતાં ખેડૂતો સંમત ન થયા તો આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

હરિયાણાના હિસાર સહિત અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ આવી કાર્યવાહી થઈ છે. હરિયાણા અને પંજાબના ખેડૂતો દ્વારા પાકના અવશેષોને બાળવાને દિલ્હીમાં પ્રદૂષણમાં વધારો માટે જવાબદાર ગણવામાં આવે છે. કૈથલમાં કુલ 123 ખેડૂતો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. દર વર્ષે ડાંગરનો પાક લણ્યા પછી, ખેડૂતો પરાળી સળગાવે છે. પરાળીથી થતા ધુમાડાને કારણે વાયુ પ્રદૂષણનું સ્તર વધે છે. 

સામાન્ય રીતે દર વર્ષે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં દિલ્હીમાં પ્રદૂષણ વધવાની ફરિયાદો આવવા લાગે છે. આ વખતે પરાળીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા કોર્ટે હરિયાણા, પંજાબ અને દિલ્હીની સરકારોને પ્રદૂષણ પર અંકુશ લગાવવાનો આદેશ આપ્યો છે. કૈથલના ડીએસપી બીરભાને કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં 14 ખેડૂતોની પરાળી સળગાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ લોકોને જામીન પર છોડવામાં આવ્યા હતા.

આ લોકો સામે પ્રિવેન્શન ઓફ પોલ્યુશન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પાણીપત અને યમુનાનગર જિલ્લામાં ઘણા ખેડૂતો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. હરિયાણાના મુખ્ય સચિવ ટીવીએસએનએ રવિવારે જ ડેપ્યુટી કમિશનરોને પરાળ સળગાવવાના મામલાઓને નિયંત્રિત કરવાનો આદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે ગયા અઠવાડિયે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે હરિયાણા અને પંજાબની સરકારોને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે તમારે પરાળી સળગાવવાનું બંધ કરાવવું પડશે. આ સિવાય જો ખેડૂતો સહમત ન થાય તો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

કોર્ટે બંને રાજ્યોના મુખ્ય સચિવોને પણ સમન્સ જારી કર્યા હતા અને 23 ઓક્ટોબરે તેમની પાસે ખુલાસો માંગ્યો હતો. જસ્ટિસ અભય એસ. ઓકા, જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને એ. જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું હતું કે, બંને રાજ્યો સંપૂર્ણપણે અસંવેદનશીલ છે. તેઓ પ્રદૂષણને લઈને આપવામાં આવેલા આદેશો પર કામ કરી રહ્યા નથી. આ ખોટું છે અને તેમણે ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવી પડશે. કોર્ટના આ કડક આદેશ બાદ જ કાર્યવાહી કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે ડાંગરની કાપણી અને ઘઉંની વાવણી વચ્ચે બહુ ઓછો સમય બચ્ચો છે. આવી સ્થિતિમાં ખેતરને ઝડપથી સ્વચ્છ કરવા પરાળી સળગાવવી એ સરળ અને સસ્તો ઉપાય છે. 

આ સમાચાર શેર કરો