મહારાષ્ટ્રમાં 137 EVM સેટની ફરી થશે તપાસ, જાણો શું છે કારણ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પરિણામ જાહેર થયા બાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર સતત આંગળી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પરિણામ જાહેર થયા બાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર સતત આંગળી ચીંધાઈ રહી છે. પરિણામો બાદ રાજ્યના અનેક ઉમેદવારોએ ઈવીએમમાં માઈક્રોકન્ટ્રોલર વેરિફિકેશન કરવા માટે ચૂંટણી પંચમાં અરજીઓ કરી છે. પૂણેના 21 વિધાનસભા ક્ષેત્રોમાંથી 11 ઉમેદવારોએ માઈક્રોકન્ટ્રોલરની ફરી તપાસ કરવા માટે ચૂંટણી પંચ (Election Commission)ને વિનંતી કરી છે.
યુગેન્દ્ર સહિત અન્ય ઉમેદવારોએ પણ ECમાં કરી અરજી
શરદ પવારની NCPSP પાર્ટીના બારામતી (Baramati) વિધાનસભા વિસ્તારના ઉમેદવાર યુગેન્દ્ર પવારે (Yugendra Pawar) પણ 19 EVMના માઈક્રોકન્ટ્રોલરનું વેરિફિકેશન કરવા માટે જિલ્લા વહિવટીતંત્રને અરજી કરી છે. આ તપાસ કરાવવા માટે તેમણે ચૂંટણી પંચે 8.96 લાખ રૂપિયાની ચૂકવણી કરી છે. આ ઉપરાંત માઈક્રોકન્ટ્રોલરનું વેરિફિકેશન કરાવવા માટે અન્ય ઉમેદવારોની વાત કરીએ તો NCPSPના હડપસરના ઉમેદવાર પ્રશાંત જગતાપ (Prashant Jagtap) અને પુણે કેંટના કોંગ્રેસ (Congress) ઉમેદવાર રમેશ બાગવેએ પણ અરજી કરી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઇને એકનાથ શિંદેનું મોટું નિવેદન, પોતાની ભૂમિકા પણ કરી સ્પષ્ટ
137 EVM સેટમાં માઈક્રોકન્ટ્રોલરની તપાસ કરવા માંગ
ચૂંટણી પંચના નિયમ મુજબ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ માઈક્રોકન્ટ્રોલરનું વેરિફિકેશન કરવા માટે સાત દિવસની અંદર અરજી કરવાની હોય છે. જિલ્લાભરના ઉમેદવારોએ 137 EVM સેટમાં માઈક્રોકન્ટ્રોલરની ચકાસણીની માંગ કરી છે. આ માટે તેઓએ ચૂંટણી પંચને 66.64 લાખ રૂપિયાની ફી ચૂકવી છે.
બીજા-ત્રીજા સ્થાને આવનારા ઉમેદવારો અરજી કરવાના હકદાર
સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ, જે ઉમેદવારો પોતાના મત વિસ્તારના પરિણામમાં બીજા અથવા ત્રીજા સ્થાને આવે, તો તેઓ પોતાના ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાયેલ ઈવીએમમાંથી પાંચ ટકા માઈક્રોકન્ટ્રોલરની તપાસ કરવાની વિનંતી કરી શકે છે. ઉમેદવારોએ માઈક્રોકન્ટ્રોલરનું વેરિફિકેશન કરાવવા માટે એક અરજી કરવાની રહે છે તેમજ વેરિફિકેશન પર થતો ખર્ચ ચૂકવવાનો રહે છે.
તપાસ દરમિયાન ઉમેદવાર અને એન્જિનિયરને હાજર રખાય છે
વેરિફિકેશન માટે અરજીઓ આવ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજ્યના મુખ્ય ચૂંટણી કાર્યાલયને જાણ કરી છે. માઈક્રોકન્ટ્રોલરની તપાસ કરતી વખતે કડક નજર રાખવામાં આવે છે. આ દરમિયાન ઉમેદવાર, વીવીપીએટી બનાવનાર કંપનીના એન્જિનિયરને હાજર રાખવામાં આવે છે.
આ પણ વાંચો: 'નવદંપત્તિએ 2-3 બાળકો પેદા કરવા જોઇએ', મોહન ભાગવતે ઘટતી જનસંખ્યાને લઇને ચિંતા વ્યક્ત કરી
આ ઉમેદવારોએ પણ EVMની તપાસ કરાવવા અરજી કરી
અરજી કરનારા ઉમેદવારોમાંથી પ્રશાંત જગતાપે હડપસર બેઠક પર ઉપયોગમાં લેવાયેલા તમામ EVMમાંથી 27ની ચકાસણી કરવા માંગ કરી છે. આ માટે તેમણે લગભગ 12 લાખ રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. ત્યારબાદ ચિંચવડ બેઠક પરના ઉમેદવાર રાહુલ કલાટેએ 25 ઈવીએમની તપાસ કરવા અરજી કરી છે અને તેમણે ચૂંટણી પંચને 11 લાખ રૂપિયાની ચૂકવણી કરી છે. પુરંદરના કોંગ્રેસ ઉમેદવાર સંજય જગતાપે 9.9 લાખ રૂપિયાની ફી ભરી 21 ઈવીએમની તપાસ કરાવવાની માંગ કરી છે.








