મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતની નિર્ભયા મોત સામે જંગ હારી, ઝઘડીયા રેપ કેસની 10 વર્ષની બાળકીનું વડોદરા સિવિલ હોસ્પિટલમાં મોત

Zhagdiya rape case : ઝઘડિયા જીઆઇડીસીમાં રેપ કેસની પીડિત 10 વર્ષની બાળકીનું હોસ્પિટલમાં મોત થયું

ગુજરાતની નિર્ભયા મોત સામે જંગ હારી, ઝઘડીયા રેપ કેસની 10 વર્ષની બાળકીનું વડોદરા સિવિલ હોસ્પિટલમાં મોત

Zhagdiya rape case : ઝઘડિયા જીઆઇડીસીમાં રેપ કેસની પીડિત 10 વર્ષની બાળકીનું હોસ્પિટલમાં મોત થયું છે. આ બાળકી બે ઓપરેશન બાદ વડોદરા સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં મોત સામે જંગ લડી રહી હતી. ગંભીર ઇજાના પગલે બે-બે ઓપરેશન બાદ પણ બાળકીની સ્થિતિમાં સુધારો થયો ન હતો. આજે બાળકીનું  હોસ્પિટલમાં મોત થયું છે.

બળાત્કાર બાદ આરોપીએ ગુપ્ત ભાગમાં સળીયો નાખ્યો હતો, અઢી કલાક ચાલ્યું હતું બીજું ઓપરેશન

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી શ્રમજીવી વસાહતમાં 16 ડિસેમ્બરે 10 વર્ષની બાળકી ઉપર બળાત્કારની ઘટના બની હતી. પડોશમાં રહેતા જ ઝારખંડના આરોપી વિજય પાસવાને કુમળી બાળકીને પીંખી નાખી. બળાત્કાર પહેલા વિજય પાસવાને બાળકીના મોઢા ઉપર પથ્થરથી વાર કરીને લોહી લુહાણ કરી નાખી હતી. બળાત્કાર બાદ ગુપ્ત ભાગમાં સળીયો નાખીને ગૃપ્તાંગ અને પેટમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.  

ગંભીર ઇજાગ્રસ્ત બાળકીના પેટનું પહેલા ભરૂચ ખાતે ઓપરેશન કરવામાં આવ્યુ હતું, જે બાદ તેને વધુ સારવાર માટે વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 

પેટના ઓપરેશનમાં એક ટાંકો તૂટી જતા ઇન્ફેક્શન ફેલાયું

વડોદરા સિવિલમાં નિદાન દરમિયાન જાણવા મળ્યુ હતું  કે પેટના ઓપરેશનમા એક ટાંકો તૂટી જતા ઇન્ફેક્શન ફેલાયું હતું. વડોદરા સિવિલ  હોસ્પિટલના બાળરોગ વિભાગમાં બાળકીનું ફરીથી ઓપરેશન કરાયુ હતું. આ ઓપરેશન અઢી કલાક ચાલ્યુ હતું. આ ઓપરેશન બાદ બાળકી ભાનમાં જ આવી ન હતી.

શ્રમજીવી પરિવારની હોવાથી બાળકી શારીરિક રીતે નબળી હતી. વજન ઓછું અને રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હતી, એટલે દવાઓની અસર થતી ન હતી. પહેલા હેવાન સાથે જંગ લડ્યા બાદ બાળકી હવે હોસ્પિટલમાં મોત સામે જંગ લડી રહી હતી. બાળકીની સ્થિતિ જોઇને ડોક્ટરો પણ હતપ્રત થઈ ગયા હતા. જંગલી જનાવર પણ ના કરે તેવી ખરાબ હાલત આરોપી વિજય પાસવાને કરી હતી.

SSG હોસ્પિટલના RMOએ જણાવ્યું બાળકીના મોતનું કારણ

SSG હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું કે, બાળકી પર બપોરે બે વાગ્યે કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો, તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. પરંતુ અમારી ટીમે સારવાર આપ્યા બાદ તે સ્ટેબલ થઈ હતી. પરંતુ બાદમાં ફરીથી સાંજે   5:15 વાગ્યે એ બીજીવાર કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. ડોક્ટરોની ટીમે તમામ પ્રયાસ કર્યા પરંતુ અંદાજે સાંજે 6:15 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીના શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું ઓર્ગન ફેલ થઈ જવાથી તેને કાર્ડિયાક અટેક આવ્યા હતા. હવે બાળકીનું પોસ્ટમોર્ટમ કરાશે.

આરોપી વિજય પાસવાન જેલના સળીયા પાછળ

આ કેસમાં નરાધમ આરોપી વિજય પાસવાન હાલ જેલના સળીયા પાછળ છે. પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી, ત્યારબાદ 18 ડિસેમ્બરે હવસખોર આરોપીને સાથે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં તેણે સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તે પોલીસને જણાવ્યું હતું. પોલીસ જ્યારે આરોપીને લઈને લોકઅપની બહાર આવી ત્યારે આરોપીના ચાલવાના પણ ઠેકાણા નહોતા.

શું હતી સમગ્ર ઘટના?

16 ડિસેમ્બરે મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું આરોપી વિજય પાસવાને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ નિર્ભયા જેવા કાંડથી રાજ્યભરમાં ચકચાર મચી હતી. નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે આચરી હતી. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા. જ્યાં પીડિતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપી અને પીડિતા બન્ને મૂળ ઝારખંડના વતની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી તેની આકરી પૂછપરછ હાથ ધરી છે.

નરાધમે એક મહિના અગાઉ પણ બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ 

આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી. જેના લીધે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ નરાધમે એક મહિના અગાઉ પણ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, સમાજમાં આબરૂ જવાની બીકે મા-બાપે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી, જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજીવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. કેસની ગંભીરતા જોતાં તપાસ માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો