Video: વડોદરામાં યુસુફ પઠાણ પ્લોટ વિવાદ અને કોંગ્રેસનો વિરોધ

વડોદરાના તાંદલજા વિસ્તારમાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને 978 ચોરસ મીટરનો પ્લોટ ફાળવવાના મામલે વિવાદ વકર્યો છે. કોંગ્રેસ પક્ષે મહાનગરપાલિકાની કચેરીમાં સ્થાયી સમિતિની બેઠક બહાર ઉગ્ર પ્રદર્શન કરીને ભાજપ સરકાર પર પક્ષપાતનો ગંભીર આક્ષેપ કર્યો હતો. વર્ષ 2012થી અટવાયેલા આ મામલે હાઇકોર્ટમાંથી અરજી પાછી ખેંચાયા બાદ પાલિકાએ પ્લોટ આપવાનો તખતો તૈયાર કર્યો છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે સરકારી ઠરાવ મુજબ 500 ચોરસ મીટર જમીન ભેટ અપાશે અને બદલામાં સરકાર પાલિકાને જમીન આપશે. જોકે, ભાજપની આ નીતિ સામે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ છે અને પાલિકાના દરવાજા બંધ કરીને ભારે હોબાળો મચાવ્યો છે.








