‘તું મરી જા, તારે જીવવાનો અધિકાર નથી’ કહી યુવતીને કરતો હતો હેરાન, સુસાઈડ નોટથી ખુલાસો

અમદાવાદના મેઘાણીનગરમાં રહેતી 23 વર્ષીય યુવતીને પરિચિત યુવક છેલ્લા ચાર વર્ષથી સતત પીછો કરી માનસિક ત્રાસ આપતો હોવાથી કંટાળીને યુવતીએ 17મી ઓક્ટોબરના રોજ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આપઘાત પૂર્વે યુવતીએ લખેલી સુસાઇડ નોટ તેમજ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાં આ યુવક ત્રાસ આપી 'તું મરવા પડી છે જાતે જ મરી જા' કહી આપઘાત કરવા માટે પ્રેરિત કરતો હોવાથી યુવતીએ આપઘાત કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે સાબરમતી રીવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે યુવક સામે દુષ્પ્રેરણા સહિતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ધોરણ 1થી 5ના સહાધ્યાયી દ્વારા સતત હેરાનગતિ
ચાંદલોડિયા ખાતે ખાનગી સર્વિસ સેન્ટરમાં એડવાઇઝર મેનેજર તરીકે નોકરી કરતા અને બીસીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા પિનાક બેંકરની 23 વર્ષીય બહેન દેવાંશી અને મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે રહેતો હર્ષ ચૌહાણ ધોરણ 1થી 5માં સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હોવાથી એકબીજાથી પરિચિત હતા. વર્ષ 2022માં દેવાંશીનું મેમ્કો પાસે અકસ્માત થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. આ દરમિયાન દેવાંશીના વોટ્સએપ સ્ટેટસ પર હર્ષ સાથેનો ફોટો મુકાયેલો જોઈ ભાઈએ પૂછપરછ કરતાં હર્ષે તેનો ફોન લઈને જાતે ફોટો મૂક્યો હોવાનું અને હેરાન કરતો હોવાનું સામે આવ્યું હતું. બે વર્ષ પહેલાં હર્ષે મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે દેવાંશી સાથે તકરાર કરી લાફો મારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જોકે હર્ષના માતા-પિતાએ હવે પછી હેરાન નહીં કરે તેવી ખાતરી આપતાં ફરિયાદ નોંધાવી ન હતી.
સુસાઈડ નોટમાં ખુલ્યા ચોંકાવનારા ઘટસ્ફોટ
એક વર્ષ અગાઉ પણ હર્ષના ત્રાસથી કંટાળીને દેવાંશી ઘરેથી નીકળીને રિવરફ્રન્ટ પહોંચી ગઈ હતી, જ્યાં પરિવારે સમજાવીને ઘરે પરત લાવી હતી. દેવાંશીને અકસ્માતમાં ગાદી અને મણકાની તકલીફ હોવાથી તે ઘરમાં જ વધુ રહેતી હતી અને છેલ્લા 25 દિવસથી ગાંધીનગરના વાવોલ ખાતે ફઈના ઘરે રહેતી હતી.
16મી ઓક્ટોબરે હર્ષે દેવાંશીના ઘરે જઈ તેના પિતાને કહ્યું હતું કે દેવાંશી મારી મંગેતર ક્રિષ્ણાને મેસેજ કરે છે તે બંધ કરાવજો, બીજા દિવસે 17 ઓક્ટોબરે બપોરે દેવાંશી ફઈના ઘરેથી નીકળી ગઈ હતી અને બાદમાં સાબરમતી નદીના ઘાટ નંબર 1 આગળથી તેની લાશ મળી આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરતાં દેવાંશીના હાથે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં હર્ષ અવારનવાર હેરાન કરી 'તુ મરવા પડી છે જાતે મરી જા, કેમ જીવે છે, તારે જીવવાનો કોઈ અધિકાર નથી' તેવું કહી મરવા મજબૂર કરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.











