અહેમદ પટેલના પુત્રના કોંગ્રેસના છોડવા અંગે ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવેનું નિવેદન
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ કોંગ્રેસથી નારાજ છે. ફૈસલ

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ કોંગ્રેસથી નારાજ છે. ફૈસલ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે. ફૈસલ પટેલના નિર્ણય બાદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
યજ્ઞેશ દવેએ શું કહ્યું?
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે, "સ્વર્ગીય અહેમદ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને એમના પુત્ર ફૈસલ પટેલ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ લખે કે મારે દેશની સેવા કરવી છે, ગાંધી પરિવારની સેવા મારા પિતાએ કરી છે તે ગાંધી પરિવારની સેવામાં મારે જોતરાવું છે. કોંગ્રેસના નેતાઓ મારા કામમાં આડે આવે છે અને મારે વ્યથિત હદયે કોંગ્રેસ છોડવી પડે છે. હું કોંગ્રેસ સાથે રહી શકું તેમ નથી." આ સાથે જ ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસના નિર્ણય લેવાની ક્ષમતા વિશે સવાલ પૂછતા કહ્યું કે, "મને લાગે છે કે કોંગ્રેસ દિશા વિહિન તો હતી જ અને નેતૃત્ત્વ વિહિન છે, ક્યાય કોઇની ઉપર કંટ્રોલ રહ્યો નથી. કોંગ્રેસની દિશા વિહિનતા, નીતિ વિહિનતા અને કોઇ પણ નિર્ણય ના લઇ શકવાની ક્ષમતાને કારણે આજે દેશની અંદર દેશના એક પણ મતદારો જોવા જઇએ તો કોંગ્રેસને પસંદ કરતા નથી. કોંગ્રેસના દિગ્ગત નેતા અહેમદ પટેલના પુત્ર કોંગ્રેસ છોડી રહ્યાં હોય તો કોંગ્રેસની કમનસીબી છે તેવું કહી શકાય."
ફૈસલ પટેલે છોડી કોંગ્રેસ
ફૈસલ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખતા કહ્યું, “ખૂબ જ પીડા અને વેદના સાથે, મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતાએ પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું. મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. હું શક્ય તેટલા બધા રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ. કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું.”








