GIR SOMNATH : વેરાવળમાં મકાન ખાલી કરવાની નોટિસ મળતા મહિલાએ કર્યો આપઘાત
Veraval Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં મકાન ખાલી કરવાની નોટિસ મળતા મહિલાએ આ

Veraval Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં મકાન ખાલી કરવાની નોટિસ મળતા મહિલાએ આપઘાત કરી લીધો છે. મફતિયાપરામાં રહેતી આ મહિલાને પ્રશાસને મકાન ખાલી કરવાની નોટિસ આપી હતી, જે બાદ મહિલાએ ગળેફાંસો ખાઈને ઘરમાં જ આપઘાત કરી લીધો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં ડીમોલેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે વેરાવળમા પણ મફતીયાપરા વિસ્તારમા તંત્ર દ્વારા થોડા દિવસોમાં જગ્યા ખાલી કરી દેવા માટેની નોટિસ ફાળવવામાં આવી હતી. આ નોટિસના પગલે આ વિસ્તારમાં છેલ્લા 45 વર્ષથી રહેતા માયાબેને આશરો જવાની ચિંતામાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.
ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતક પરિવારની મુલાકાત લીધી હતી અને આ બનાવના જવાબદાર જિલ્લા કલેક્ટરને ગણાવ્યા હતા. સાથે સરકાર આ મૃતક મહિલાના પરિવારને સહાય કરે અને મફતમાં પ્લોટ આપે તેવી માંગ કરી હતી.
મૃતક મહિલાની નાની બહેને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને આ ઘટનાના જવાબદાર ગણાવ્યાં હતા. આ યુવતીના કહેવા મુજબ મફતિયાપરામાં 80 ઘરોને આવી નોટિસ આપવામાં આવી છે અને સમગ્ર મફતિયાપરામાં 1000 જેટલા ઘર છે.






