MEHSANA : પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાખી પોતાના પતિની હત્યા
Mehsana News : મહેસાણામાં પતિ-પત્ની ઔર વોની ચોકાવનારી ઘટના સામે આવી છે. પોતાનો પતિ ન ગમતા કાયદાના સંઘર્ષમાં આ

Mehsana News : મહેસાણામાં પતિ-પત્ની ઔર વોની ચોકાવનારી ઘટના સામે આવી છે. પોતાનો પતિ ન ગમતા કાયદાના સંઘર્ષમાં આવતી મહિલાએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી છે.
પોલીસ સ્ટેશને જઈ પત્નીએ પતિની હત્યા કર્યાની કબૂલાત કરી
મહેસાણા તાલુકા પોલીસને માહિતી મળી હતી કે દેવરાસણ કેનાલ પાસે વિજાપુર તાલુકાના ભીમપુરા ગામના અતુલ રાવળનો હત્યા કરાયેલો મૃતદેહ પડ્યો છે. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચતા જાણવા મળ્યું કે અતુલ રાવળની પત્નીએ જ પોતાના પતિની હત્યા કરી છે.
પતિની હત્યા કર્યા બાદ કાયદાના સંઘર્ષમાં આવતી આ બાળકી નંદાસણ પોલીસ મથકે પહોંચી અને પોતાના પતિની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
પત્ની એ જ પોતાના પતિની હત્યા કરી હોવાનું કબૂલાત કરવા છતાં પોલીસને શંકા જતા ટેકનીકલ સર્વેલેન્સની મદદથી પત્નીએ પ્રેમી સાથે મળી પોતાના પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પ્રેમીએ ગળાના ભાગે તથા છાતીના ભાગે ધારદાર હથિયારથી હુમલો કર્યો
ભીમપુરા ગામેથી પોતાની પત્ની સાથે મૃતક અતુલ રાવળ પાલોદર સ્થિત જોગણી માતાના મંદિરે દર્શનાર્થે આવ્યો હતો. ત્યાં પત્નીના પ્રેમીને જોતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ આગળ મળીએ તેમ કહીને ત્યાંથી મૃતક અતુલ રાવળ તેની પત્ની સાથે બાઈક પર નીકળ્યો હતો.
આરોપી જયેશજી ઠાકોર તેની પાછળ પાછળ ગયો ત્યારબાદ દેવરાસણ કેનાલ નજીક બંને વચ્ચે રકઝક થઈ અને જયેશજી ઠાકોરે અતુલ ને ગળાના ભાગે તથા છાતીના ભાગે ધારદાર હથિયારથી હુમલો કર્યો. પત્નીએ પણ પ્રેમી જયેશજી સાથે મળી ત્યાં ને ત્યાં જ પતિનું ઢીમ ઢાળી દીધું હતું.
લગ્નના પાંચ દિવસ પહેલા મૃતકની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી
હત્યા કર્યા બાદ આરોપી જયેશજી ઠાકોર અને મૃતકની પત્ની નંદાસણ પોલીસ સ્ટેશને ગયા હતા. જયેશજી ઠાકોર મૃતકની પત્નીને ત્યાં ઉતારીને પોતાના ઘરે રવાના થયો હોવાની વાત સામે આવી.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લગ્નના પાંચ દિવસ પહેલા મૃતકની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પરિવારની સમજાવટ બાદ અતુલ રાવળ સાથે તેના લગ્ન કરાવ્યાં હતા. પરંતુ પહેલેથી જ આરોપી જયેશજી ઠાકોર સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે મૃતક અતુલ રાવળ સાથે પત્નીને બનતું ન હતું, જેને લઈને આજે એક યુવક અને પરિવારને પોતાનો એકનો એક દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે.








