ગુજરાત સ્થાપના દિવસ 1 મે ના રોજ કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ, મહત્વ અને કારણ
આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે.ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે.ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના દિવસે થઈ હતી. ગુજરાત સ્થાપના દિવસે રાજ્યમાં વિવિધ સ્થળો પર સરકાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ અને સેમિનારનું આયોજન કરવામાં આવે છે. આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ અથવા ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે સુરત ખાતે ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી થશે. સુરતમાં 1 મે ના રોજ 'ગુજરાત સ્થાપના દિવસ'ની રાજ્ય કક્ષાની ઉજવણી થશે. આ અવસરે 26 જાન્યુઆરીએ દિલ્હીના રાજપથ પર જોવા મળતા પોલીસ જવાનોના દિલધડક બાઈક સ્ટંટ જોવા મળશે. વાય જંકશન ખાતે યોજાનારા આ શાનદાર આયોજનમાં શૌર્ય અને સંસ્કૃતિનો અદભૂત સમન્વય સર્જાશે.
ગુજરાત સ્થાપના દિવસનો ઈતિહાસ
ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગા કરીને ત્રણ રાજ્યો – સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યની સ્થાપના કરી હતી. વર્ષ 1956માં મુંબઇ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તેમજ મધ્ય પ્રદેશના કેટલાંક વિસ્તારો ઉમેરવામાં આવ્યા અને ત્યારબાદ તેને ‘બૃહદ મુંબઇ રાજ્ય’નામ આપવામાં આવ્યું. આ નવા રાજ્યમાં ઉત્તરમાં ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણમાં મરાઠી ભાષા બોલતા નાગરિકો રહેતા હતા. ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી. ગુજરાત સરકારે 1 મે ને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો અને દર વર્ષે આ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય બન્યું
1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યથી અલગ થઈને ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે જ દેશના નકશા પર મહારાષ્ટ્ર રાજ્ય પણ અસ્તિત્વમાં આવ્યું હતું. મહાગુજરાત આંદોલન પછી ગુજરાત રાજ્યની રચનાનો માર્ગ મોકળો થયો હતો. આ આંદોલનનો શ્રેય ઈન્દુલાલ યાજ્ઞિકને ફાળે જાય છે. આંદોલનમ પછી તેઓ ઈન્દુ ચાચા તરીકે લોકપ્રિય થયા હતા. આઝાદીના કેટલાક વર્ષો પછી જ અલગ રાજ્યની માંગ ઉઠવા લાગી હતી. આ માંગને વર્ષ 1955-56ની આસપાસ વેગ મળ્યો હતો. તે સમયે કેન્દ્રમાં જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા. શરૂઆતમાં તેઓએ આ માંગની અવગણના કરી પરંતુ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની માંગ વધુ ઉગ્ર બની ત્યારે કેન્દ્ર અને તત્કાલીન બોમ્બે રાજ્ય સરકારે માંગ સ્વીકારવી પડી હતી. આ સાથે બંને રાજ્યો 1 મેના રોજ અસ્તિત્વમાં આવ્યા હતા. જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હતી તેને ગુજરાતનો એક ભાગ બનાવવામાં આવ્યો અને જે ભાગમાં જે મરાઠી બોલાતી હતી તેમને મહારાષ્ટ્રમાં રાખવામાં આવ્યા હતા.






