ગુજરાત: ઝઘડિયાની દીકરીને ક્યારે મળશે ન્યાય? ચાર હજારથી વધુ પોક્સો કેસ હજુ પેન્ડિંગ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ તેમનુ મૃત્યુ નિપજ્યું છે. પરંતુ હવે બાળકી ઉપર પાશવ

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ તેમનુ મૃત્યુ નિપજ્યું છે. પરંતુ હવે બાળકી ઉપર પાશવી કૃત્ય કરનારને કડકમાં કડક સજા ક્યારે મળે છે તે પણ મોટો સવાલ છે. ગુજરાતમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (POCSO) હેઠળ 4375 જેટલા કેસ હજુ ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.
ન્યાય ક્યારે મળશે તારીખ પે તારીખ
ગુજરાતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 31મી ઓક્ટોબરની સ્થિતિએ દુષ્કર્મના 912 કેસ પેન્ડિંગ છે. પોક્સો હેઠળ પેન્ડિંગ કેસની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 59,174, બિહારમાં 19,172, મધ્ય પ્રદેશમાં 7,212, આંધ્ર પ્રદેશમાં 6,594, ઓડિશામાં 6,199, આસામમાં 6030નો મુખ્યત્વે સમાવેશ થાય છે. દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ઝડપી ન્યાય મળે તેના માટે ઓક્ટોબર 2019માં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી.
આ પણ વાંચો: ભાવનગર: વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર શખ્સને કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ અને 6 લાખનો દંડ
ગુજરાતમાં માત્ર પોક્સો માટેની 24 કોર્ટમાં અત્યારસુધી 10,871 કેસનો નિકાલ થયો છે. એક અહેવાલ પ્રમાણે 2014થી 2021 દરમિયાન ગુજરાતમાં પોક્સો કેસમાં 398.50 ટકાનો વધારો થયો છે. આ દરમિયાનમાં કુલ 14,252 કેસ નોંધાયા છે પણ માત્ર 231ને સજા થઈ છે. ગુજરાતને પોક્સો હેઠળના તમામ કેસના ચુકાદા માટે હજુ ચાર વર્ષ રાહ જોવી પડશે.
SSG હોસ્પિટલના RMOએ જણાવ્યું બાળકીના મોતનું કારણ
SSG હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું કે, બાળકી પર બપોરે બે વાગ્યે કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો, તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. પરંતુ અમારી ટીમે સારવાર આપ્યા બાદ તે સ્ટેબલ થઈ હતી. પરંતુ બાદમાં ફરીથી સાંજે 5:15 વાગ્યે એ બીજીવાર કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. ડોક્ટરોની ટીમે તમામ પ્રયાસ કર્યા પરંતુ અંદાજે સાંજે 6:15 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીના શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું ઓર્ગન ફેલ થઈ જવાથી તેને કાર્ડિયાક અટેક આવ્યા હતા. હવે બાળકીનું પોસ્ટમોર્ટમ કરાશે.
આરોપી વિજય પાસવાન જેલના સળીયા પાછળ
આ કેસમાં નરાધમ આરોપી વિજય પાસવાન હાલ જેલના સળીયા પાછળ છે. પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી, ત્યારબાદ 18 ડિસેમ્બરે હવસખોર આરોપીને સાથે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં તેણે સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તે પોલીસને જણાવ્યું હતું. પોલીસ જ્યારે આરોપીને લઈને લોકઅપની બહાર આવી ત્યારે આરોપીના ચાલવાના પણ ઠેકાણા નહોતા.
શું હતી સમગ્ર ઘટના?
16 ડિસેમ્બરે મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું આરોપી વિજય પાસવાને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ નિર્ભયા જેવા કાંડથી રાજ્યભરમાં ચકચાર મચી હતી. નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે આચરી હતી. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા. જ્યાં પીડિતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપી અને પીડિતા બન્ને મૂળ ઝારખંડના વતની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી તેની આકરી પૂછપરછ હાથ ધરી છે.
નરાધમે એક મહિના અગાઉ પણ બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ
આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી. જેના લીધે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ નરાધમે એક મહિના અગાઉ પણ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, સમાજમાં આબરૂ જવાની બીકે મા-બાપે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી, જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજીવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. કેસની ગંભીરતા જોતાં તપાસ માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.








