મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સતાધાર વિવાદ: નિરર્થક વિવાદ 

પીઢ પત્રકાર જગદીશ આચાર્યની ફેસબુક પોસ્ટ સતાધારના વિવાદ અંગે કાંઈ લખવું નહોતું.સાચું કહું તો હવે એ

સતાધાર વિવાદ: નિરર્થક વિવાદ 

પીઢ પત્રકાર જગદીશ આચાર્યની ફેસબુક પોસ્ટ

સતાધારના વિવાદ અંગે કાંઈ લખવું નહોતું.સાચું કહું તો હવે એક પણ પ્રકારના વિવાદ અંગે લખવાનું મન નથી થતું. આ મનોદશા માટે ક્યારેક ઊંડો વિષાદ અને ક્યારેક સમજણ સાથે ઊભરતો વિરક્ત ભાવ કારણભૂત છે. વિવાદ અંગે લખવું, બોલવું એટલે પોતાને પણ વિવાદમાં ગળાડૂબ કરવા જેવું થાય.વળી દરેક વિષય અને વિવાદ ઉપર આપણો અભિપ્રાય આપવાની વૃતિ પાછળ, આપણે બધાથી હોશિયાર,વિદ્વાન અને સર્વજ્ઞાતા છીએ એવી ભ્રમણા અને સપાટી ઉપર ન દેખાતો પણ અંદર ફૂંફાડા મારતો અહમ કારણભૂત હોય છે. વિવાદો મગજ ખરાબ કરવાનો ધંધો છે એટલે એ ક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃતિ લીધા પછી, ટીઆરપી વધારવાના રામબાણ ઉપાય સમા સતાધાર વિવાદ અંગે અત્યાર સુધી કોઈ અભિપ્રાય આપ્યો નહોતો. એ મુદે ન્યૂઝ ચેનલોની ડિબેટો માટે મળેલા આમંત્રણોનો બે હાથ જોડીને ઇનકાર કરી દીધો હતો. પણ આજે એક મિત્રે મોકલેલ વીડિયો જોયા પછી એ મુદે પહેલી અને છેલ્લી વખત લખી રહ્યો છું.

હું સતાધાર ત્રણ ચાર વખત ગયો છું.કિશોરવયે પહેલી વખત ગયો ત્યારે ભક્તિ શ્રધ્ધા જેવું કંઈ નહોતું પણ ત્યાંના અલમસ્ત પાડા ને જોઈને મજા આવી હતી.એ પછીની મુલાકાતો પણ યાદ છે.શામજી બાપુનું ખૂબ પવિત્ર વ્યક્તિત્વ હતું.યાત્રાળુઓને વિદાય આપે ત્યારે બાજુમાં રાખેલા થાળમાંથી રૂપિયાના સિક્કા આપતા.તેમના અનુગામી જીવરાજબાપુ ભોળા બાળક જેવા હતા.એમને દુનિયાદારી સાથે જાજી નિસબત નહોતી.તેઓ એક વખત મારા ઘરે પધાર્યા હતા.ભોજન ગ્રહણ કર્યું હતું અને રાત્રિ રોકાણ પણ કર્યું હતું.ખૂબ સરળ પ્રકૃતિના હતા.સતાધારના મહંતપદનો કે સંતત્વનો કોઈ ભાર નહોતો.તેમને માન પાનની પડી નહોતી. આજે વૈભવમાં આળોટતા સ્વામીઓ, મઠાધીપતિઓ, મહંતો, કથાકારો, ગાદીપતિઓ અને બાપુઓથી વિપરીત તેમનું જીવન સીધું સાદુ હતું. એમના માટે આપા ગીગા સર્વસ્વ હતા.

છેલ્લા છ મહિનાથી એ પવિત્ર ધર્મસ્થાનકના નામે વિવાદ ચાલે છે. સાથે જ વિવાદ વધારવા માટે સહેતુક પ્રયાસો થઈ રહ્યા હોય તેવું લાગે છે.ભૂલે ચૂકે પણ આ વિવાદ અટકી ન જાય તેના માટે અથાગ મહેનત થઈ રહ્યા હોય એવી પણ છાપ ઉપસે છે.હાલના મહંત વિજયબાપુ ઉપર અનેક પ્રકારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.( ચોખવટ: હું ક્યારેય તેમને મળ્યો નથી, જોયા પણ નથી.મળવાની કોઈ ઇચ્છા પણ નથી ).

વિજયબાપુ સામે મોરચો માંડનાર

નરેન્દ્રભાઈ સોલંકી એક સમયે રાજકોટમાં કોર્પોરેટર હતા.હજુ પણ તેમણે સંપૂર્ણપણે રાજકારણ ત્યાગ્યું નથી.તેઓ ચોટીલા ખાતેના 'આપા ગીગાનો ઓટલો' ના મહંત છે અને નરેન્દ્ર બાપુના નામે ઓળખાય છે.તેમણે વિજયબાપુને પડકાર ફેંક્યો છે.એ પડકારના બુલંદ હાકલા પડકારા સોશિયલ મીડિયા પર ગાજતા રહે છે. વિવાદ શરૂ થયા ને ચાર પાંચ મહિના થઈ ગયા એટલે કેટલાક પત્રકારો અને ગુજરાતી ચેનલો ટુંકા સમય માટે પોતાની ભૂમિકા ભજવીને હવે અન્ય મુદ્દાઓ પર કામે લાગ્યા છે તો કેટલાક હજુ પણ સતાધાર શરણે છે.અને પરિણામે સમયાંતરે નરેન્દ્રબાપુના ઇન્ટરવ્યુ સાંભળવાનો મોકો મળતો રહે છે.હમણાં તાજેતરમાં બે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જે વાત કહી તેના ઉપરથી આ પોસ્ટ લખવા પ્રેરાયો છું.નરેન્દ્ર બાપુએ કહ્યું,"હું અને વિજયબાપુ બન્ને સતાધાર નું ધૂપેલિયુ ઉપાડી લઈએ.જો હું ખોટા આક્ષેપો કરતો હોઉં તો સવા મહિનામાં મને રૂંવાડે રૂંવાડે કોઢ નીકળે અને નહિતર વિજય બાપુને નીકળે.."

ટૂંકમાં વાત સતના પારખા પર આવી ગઈ

હવે, મારો સીધો સાદો સવાલ એ છે કે ધૂપેલિયુ ઉપાડવાથી આપા ગીગા સાચા ખોટાનો ફેંસલો આપી દેવાના હોય તો તેઓ અત્યારે જ ફેંસલો કેમ નથી કરી નાખતા? કોની રાહ જુએ છે ? શા માટે આપા ગીગા આ જવાબદારી બીજા કોઈને સોંપે છે ? શા માટે પોતાની આ પવિત્ર જગ્યાની બદનામી થવા દે છે? વિજયબાપુ જો કૌભાંડિયા હોય અને જગ્યા અંગે થઈ રહેલા બીજા અનેક પ્રકારના આક્ષેપો સાચા હોય તો આપા ગીગા કેમ એ મહાશયને ગાદીપતિ તરીકે ચલાવી લે છે ? આખરે તો તેઓ જ સર્વ સતાધિશ છે.તેઓ તો ચપટી વગાડતાં વિજયબાપુને રવાના કરી શકે.

એટલે કેટલાક મૂળભૂત સવાલો

સતાધાર મહંતપદે વિજયબાપુ બિરાજમાન હોય તો એમાં આપા ગીગાની મંજૂરી,ઈચ્છા અને હુકમ હોય કે નહીં?
સામાન્ય શ્રદ્ધા તો એવું કહે છે કે આપા ગીગાનો હુકમ હોય તેને જ ગાદી મળે.
જો એ શ્રધ્ધા અને સમજણ સાચી હોય તો વિજયબાપુને રવાના કરવાનું અભિયાન ત્રાહિત પાત્રોએ ચાલુ રાખવું જોઈએ કે આપા ગીગાને જ એ નિર્ણય કરવા દેવો જોઈએ? મારી દૃષ્ટિએ આપા ગીગા ઉપર શ્રદ્ધા હોય એ બધા લોકો માનશે જ કે આ બધું આપા ગીગા ઉપર છોડી દેવું જોઈએ.એમની જવાબદારી ઉપાડનાર આપણે કોણ? આપણે મોટા કે આપા ગીગા મોટા? આપા ગીગા જાણે અને વિજયબાપુ જાણે.

ફરી ચોખવટ: અહીં વિજયબાપુની તરફેણ કરવાનો ઇરાદો નથી.વિજયબાપુ રહે કે ન રહે અને સતાધારના ગાદીપતિ તરીકે કોઈ નવા બાપુ બેસે કે ન બેસે, તેનાથી મને કોઈ ફેર નથી પડતો.પણ સતાધાર જેવી પવિત્ર જગ્યા અંગે આવા વરવા વિવાદથી દુઃખ ચોક્કસ થાય છે.કોઈને કેમ એ વિચાર નથી આવતો કે લાખો લોકોની આસ્થાના કેન્દ્ર સમા આ સ્થાનકની અને સાથે જ હાલમાં જેની સલામતી અંગેની ચિંતામાં અણધાર્યો મોટો ઉછાળો આવ્યો છે એ સનાતન ધર્મની પણ બદનામી થઈ રહી છે.ભાવિકોની આસ્થા સાથે ખિલવાડ થઈ રહ્યો છે.

આ વિવાદ થકી સતાધાર નું ભલુ થઈ રહ્યું છે કે નુકસાન થઈ રહ્યું છે તે શાંતિથી વિચારવા જેવું છે.ધર્મસ્થાનકોના આવા નિમ્ન કક્ષાના વિવાદો સનાતન ધર્મ માટે શોભાસ્પદ છે કે શરમજનક?
આ વિવાદ આપણને ખૂબ વામણા બનાવે છે.
ધર્મને પણ વામણો બનાવે છે.
આ વિવાદ બંધ થવો જોઈએ.
આપા ગીગા પર બધું છોડી દેવું જોઈએ.
તેઓ ન્યાય કરશે.
ભગવાન બધાને સદબુધ્ધિ આપે એ જ પ્રાર્થના.

આ સમાચાર શેર કરો