રાજુ કરપડાએ જનતાથી શું છુપાવ્યું? ગોપાલ ઈટાલિયાએ 3 ગંભીર કેસ અને 5 વર્ષની સજાનો પર્દાફાશ કર્યો
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને વિસાવદરન

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમજ પ્રવીણ રામે આજે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજીને રાજુ કરપડા દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોનો જડબાતોડ જવાબ આપ્યો છે. ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજુ કરપડાનું રાજીનામું પાર્ટી માટે દુઃખદ છે, પરંતુ તેમના મુખે બોલાયેલા શબ્દો વાસ્તવમાં ભાજપ દ્વારા લખાયેલી કોઈ સ્ક્રિપ્ટ હોય તેવું જણાય છે.
'જેલ જવાના ડરે સત્ય છુપાવ્યું'
ઇટાલિયાએ સનસનાટીપૂર્ણ ખુલાસો કરતા કહ્યું કે, રાજુ કરપડા પર 3 ગંભીર કેસ છે, જેમાં વર્ષ 2022 પછી એક કેસમાં તેમને ૫ વર્ષની સજા પણ થઈ ચૂકી છે. અન્ય બે કેસમાં ૩૦૭ (હત્યાનો પ્રયાસ) જેવી કલમો છે. સુરેન્દ્રનગર કોર્ટમાં આજે તેમના કેસનો આખરી નિર્ણય આવવાનો હતો, ત્યારે જેલ જવાના ડરે અને ભાજપના દબાણવશ તેમણે આ પગલું ભર્યું હોવાની પૂરેપૂરી શક્યતા છે.
લીગલ સપોર્ટ મુદ્દે સ્પષ્ટતા
રાજુ કરપડાના 'પાર્ટીએ જેલમાં મદદ નથી કરી' તેવા આરોપને નકારતા ઇટાલિયાએ જણાવ્યું કે, પાર્ટીએ તેમને પૂરતો લીગલ સપોર્ટ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ૩ નામાંકિત વકીલો તેમની લડાઈ લડતા હતા. ખુદ કરપડાની માંગણી પર એડવોકેટ રદય બુચને પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આટલી મદદ છતાં આવા આક્ષેપો કરવા તે હકીકતથી વિપરીત છે.
ગૃહમંત્રી સાથેની મુલાકાતનો દાવો
ગોપાલ ઇટાલિયાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે રાજુ કરપડા ગાંધીનગરમાં ગૃહમંત્રીને તેમની કેબિનમાં મળ્યા હતા તેની વિગતો પણ પાર્ટી પાસે છે. જેલમાં કોઈ IPS અધિકારી તેમને મળવા આવ્યા હોવાના આક્ષેપ સાથે તેમણે ઉમેર્યું કે કરપડા અત્યારે લાચાર છે અને દબાણમાં આવીને ખોટું બોલી રહ્યા છે. કડદા કાંડ વખતે પણ પોતે રાત્રે 2 વાગ્યા સુધી સાથે હોવાનો પુરાવો આપતા તેમણે CCTV ચેક કરવાનું પણ પડકાર્યું હતું.






