KUTCH : માંડવી લવજેહાદ કેસમાં જીયાદ અને કાસમ બાદ ત્રીજા આરોપી અલ્તાફની પુણેથી ધરપકડ
Kutch Love Jihad : કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામના લવજેહાદ કેસમાં મુખ્ય આ

Kutch Love Jihad : કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામના લવજેહાદ કેસમાં મુખ્ય આરોપી જીયાદ સમીર લતીફ બાદ કાસમ હિંગોરજાની પશ્ચિમ કચ્છ પોલીસે ધરપકડ કરી હતી.હવે આ કેસમાં અલ્તાફ જુમ્મા લાખા નામના આરોપીની પશ્ચિમ કચ્છ પોલીસે મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી છે.
જીયાદ સમીર લતીફે જીગર નામ ધારણ કરીને હિન્દુ હોવાની ઓળખ બતાવી ગોધરા ગામની યુવતીને લવજેહાદનો શિકાર બનાવી હતી. જીયાદે આ યુવતી પર અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવતીને ધર્મ પરિવર્તન કરીને મુસલમાન બનીને નિકાહ માટે દબાણ કરતો હતો.
પોલીસે પહેલા મુખ્ય આરોપી જીયાદ સમીર લતીફની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેને ભુજમાં હોટેલમાં રહેવાની સગવડ કરી આપનાર કાસમ હિંગોરજાની ધરપકડ કરી હતી. હવે આ કેસના ત્રીજા આરોપી અલ્તાફ જુમ્મા લાખાની પશ્ચિમ કચ્છ પોલીસે પુણેથી ધરપકડ કરી છે.
મુસ્લિમ હોવાનો ભાંડો ફૂટતા ઇસ્લામ અંગીકાર કરવા દબાણ કર્યું, યુવતીની સગાઇ તોડાવી
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામનો પરિવાર મુંબઈમાં રહેતો હતો. આ સમયે પરિવારની દીકરી ફ્રી ફાયર મેક્સ નામની ઑનલાઈન ગેમ રમતા જીગર નામના આઈડી ધરાવતા યુવકના સંપર્કમાં આવી હતી. બન્ને વચ્ચે ચેટિંગ થતાં તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. જીગર નામધારી યુવકે પોતે મંદિરમાં દર્શન કરતો હોય તેવા ફોટા મૂકી યુવતીને પોતે હિન્દુ હોવાની ખોટી ઓળખ આપી હતી.
જીગરે યુવતીના મુંબઈ સ્થિત ઘરે જઈને તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. યુવતીએ જીગરને લગ્ન કરવા માટે સતત દબાણ કરતાં ભાંડો ફૂટ્યો હતો. જેમાં યુવકનું નામ જીગર નહીં, પરંતુ જીયાદ ઉર્ફે સમીર લતીફ શેખ હોવાનું સામે આવ્યું હતું. જીગર ઉર્ફે જીયાદ યુવતીને ધર્મ પરિવર્તન કરીને નિકાહ માટે દબાણ કરતો હતો, જેથી યુવતીએ તેની સાથેના પ્રેમ સબંધનો અંત લાવી દીધો હતો.
જીયાદે યુવતીનો પીછો ન છોડતા યુવતી પરિવાર સાથે માંડવી સ્થિત પોતાના ગામમાં રહેવા માટે આવી ગઈ હતી. યુવતીનું તેના જ સમાજના યુવક સાથે સગપણ કરવામાં આવ્યું હતુ. આ બાબતની જાણ થતાં જીયાદે પોતાના અને યુવતી સાથે અતરંગ પળોના ફોટા તેના ભાઈને મોકલીને બદનામ કરતાં યુવતીની સગાઈ તૂટી ગઈ હતી.
આ સમગ્ર મામલે યુવતીએ ભૂજ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આખરે પોલીસે પૂણેથી આરોપી જીયાદ ઉર્ફે સમીર લતીફ શેખની ધરપકડ કરી હતી. ત્યારબાદ જીયાદની મદદ કરનાર કાસમ હિંગોરજા અને હવે ત્રીજા આરોપી અલ્તાફ જુમ્મા લાખાની પણ પુણેથી ધરપકડ કરવામાં આવી છે.








